અમદાવાદ: ગુજરાતના ઓબીસી નેતા અને ભૂતપૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે ગુજરાતમાં 15થી 20 જેટલા ધારાસભ્યો નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ છોડવા માંગે છે. અલ્પેશ ઠાકોરે ક્હ્યુ છે કે કોંગ્રેસમાં નેતૃત્વની ઉણપ છે અને આવી રીતે જ પાર્ટીની કામગીરી ચાલુ રહેશે, તો આગામી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં આવવા માટે સક્ષમ નહીં થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંદર્ભે વાતચીત કરતા અલ્પેશ ઠાકોરે કહ્યુ છે કે ગુજરાતમાં દરેકને ખબર છે કે તેમને વડાપ્રધાન માટે ઘણો આદર છે અને તેઓ તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંદર્ભે જણાવ્યું છે કે તેમના તેમની સાથે સારા સંબંધો છે, પરંતુ જ્યારે નેતૃત્વની વાત આવે છે તો પીએમ મોદી સાથે તેમની સરખામણી થઈ શકે નહીં. તેમને તેમના સર્ટિફિકેટની જરૂર નથી .
મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોરે સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને અટકળબાજી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોર તાજેતરમાં રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે 2019ની લોકસભા ચૂંઠણી પહેલા કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો.
ગાંધીનગર ખાતે ડેપ્યુટી સીએમની ઓફિસમાં અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક અડધો કલાક ચાલી હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરના નિકટવર્તી અને બાયડથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર હતા.
જો કે અલ્પેશ ઠાકોર ભારપૂર્વક જણાવે છે કે તેઓ ભાજપના ઘણાં નેતાઓના સંપર્કમાં છે, પરંતુ તેમની યોજના ભાજપમા જોડાવાની નથી. તેમણે કહ્યુ છે કે હું ધારાસભ્ય છું અને તેથી મે ભાજપના ઘણાં નેતાઓ સાથે મુલાકાત કરી છે અને મારે મારા મતવિસ્તારના લોકો માટે કામ કરવાનું છે. પરંતુ મારી યોજના ભાજપમાં જોડાવાની નથી.
પાટણ લોકસભા બેઠકની ટિકિટ નહીં મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસે પાટણથી ભૂતપૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ઠાકોર સેનાના સદસ્યને ટિકિટ નહીં ફાળવતા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના સંબંધો વધુ વણસ્યા હતા.