1. Home
  2. revoinews
  3. “મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”
“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”

“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”

0
Social Share

જયરાજસિંહ પરમાર , પ્રવક્તા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

——

‘દેશને હવે સમજાશે કે જીભ ચલાવવી અને અર્થતંત્ર ચલાવવામાં બહુ ફેર છે ‘

——-

‘મોદીજી એ દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઈ વચન પાળ્યુ, ખુદ મોદીજીએ જ આરબીઆઇ ની તિજોરી પર પંજો મારી દીધો ‘

——-

‘આ મંદી નથી પણ પંડીત દીનદયાલ અભાવ યોજના છે ..જે મંદી કહેશે તેને રાષ્ટ્રહિતમાં દેશદ્રોહી ગણાશે અને તેને પાકિસ્તાન તગેડી મુકવામાં આવશે’

——

દેશનું અર્થતંત્ર ખુબજ નાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ખુદ આરબીઆઇ અને નિતિ આયોગ આ હકીકત ને સ્વીકારી ચુક્યા છે. ઓટો અને ટેક્સટાઇલ સેક્ટર ડચકાં ખાઈ રહ્યા છે. લાખોની ગાડીઓથી લઈને પાંચ રૂપિયાના પારલે-જી ખરીદનારની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જઈ રહી છે. દેશની ધીકતો નફો કરતી ઓએનજીસી અને આઈઓસી જેવી કંપનીઓના નફા અડધા થઈ ગયા છે. કીંગ ફીશર, જેટ એરવેઝ અને ઈન્ડીયન એર લાઇન્સની આસમાની મંદી વીડીયોકોન,આર.કોમ સેમસંગ અને પારલે-જી જેવા નામી વેપારને ભરખી રહી છે. બેંકોમાં નાણાકીય તરલતાનો અભાવ પ્રવર્તે છે. સરકારી ફંડના ઓક્સીજન પર નાણાંકીય સંસ્થાઓના શ્વાસ નિર્ભર છે અને સરકાર આરબીઆઇના ખિસ્સા ખંખેરીને ખર્ચ કરવા મજબૂર છે.

કોઈ નક્કર પુરાવા નહીં હોવા છતાં દીવાલ કૂદીને પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરવાની ચુસ્તી દાખવનાર સીબીઆઈ હજારો કરોડના બેંક કૌભાંડીઓના વિદેશગમન માટે સેફ પેસેજ આપતી હોય, ત્યારે આ મંદી નીતિ અને નિયત બંન્નેમાં ખોટ હોવાનો સ્પષ્ટ પુરાવો છે. ફીટ ઈન્ડિયા અભિયાન હેઠળ માલ્યા મોદી અને ચોક્સી જેવાઓને ફીટ કરી દીધા હોત, તો દેશનું અર્થતંત્ર અનફીટ ના થયું હોત. અત્યારે તો ફીટ ઈન્ડિયા હેઠળ જીડીપી અને ડોલર સામે રૂપિયો સ્લીમ થઈ રહ્યા છે. ખેર, નાણાંકીય શિસ્ત નહીં જાળવતી અને મનમરજી મુજબ તરંગી અર્થનીતિના સરકારી અમલના કારણે જ રઘુરામ રાજન ,સુબ્રમણ્યમ અને ઉર્જીત પટેલ અને વિરલ આચાર્ય , અરવિંદ સુબ્રમણ્યમ હાથ છોડાવી દેશની બરબાદીના નિમિત્ત નહીં બનવાનું મુનાસીબ માન્યું. હવે જી સરકારની મુદ્રામાં ઉભા રહેતા આર્થિક નહીં પણ ઇતિહાસના નિષ્ણાત શશીકાંત દાસ જેવા ‘જી હજૂરિયાઓ’ દ્વારા દેશની તિજોરીની ચાવી મોદીજીના હાથમાં સોંપી દીધાની સ્થિતિ છે. રીઝર્વ બેંકનું  રીઝર્વ ફંડ ચટ કરી જનાર આ દેશની પહેલી સરકાર છે, જે આ નાણાં કેમ લઈ રહી છે અને ક્યાં વાપરશે એનો જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી. રીઝર્વ બેંકની તિજોરીમાં પડેલા નાણા દેશની પ્રજાના છે રામ મંદિરના નામે ઉઘરાવેલા રામ શીલાન્યાસ ટ્રસ્ટની સંપત્તિ નથી કે નાગપુરની સંસ્થાની નથી કે જનસંઘની મૂડી નથી . પ્રજાના પરસેવાની મૂડી ક્યાં વપરાશે એ દેશને જાણવાનો અધિકાર છે .સરકારે આ નાણાં લેવાની જરૂર કેમ ઉભી થઈ? નોટબંધી અને જીએસટીને મંદીનું પ્રમુખ કારણ બતાવનાર નીતિ આયોગના ઉપાધ્યક્ષને નિવેદન બદલવા મજબુર કરવાના બદલે મોદી સરકારે દેશના અર્થતંત્ર ને મજબુત કરવા પર ધ્યાન આપવું જોઇએ. લાખો લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. બેંકોનો વેપારીઓ પર અને લોકોનો બેંકો પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. પરંતુ સરકાર છદ્મ રાષ્ટ્રવાદના ઇંજેક્શન આપી લોકોને પ્રાયોજીત દેશભક્તિના ઘેનમાં રાખવામાં મશગુલ છે.

તમે બેરોજગારીના રોદણાં રોઈને કાશ્મીરમાં ધારા 370 ને અસરહીન કરવાના સરકારના પ્રયાસને અવગણી કેવી રીતે શકો? તમારા ઘર પરિવારના ગુજરાનની ચિંતા છોડી દો કેમકે સરકાર કાશ્મીરમાં વ્યસ્ત છે. આખા દેશમાં કંપનીઓ બંધ થતી હોય તો થવા દો કેમકે કાશ્મીરમાં ધંધા રોજગાર એ સરકારની પ્રાથમિકતા છે. પંગુ થતાં અર્થતંત્રના લીધે ભલે દેશ આખો નિરાશ્રીત થાય કાશ્મીરી પંડીતોના પુનર્વસનનો દેખાડો એકમાત્ર કામ કરવું આવશ્યક છે. ટુંકમાં આખુય ભારત કાશ્મીરમાં લુપ્ત થયાની સ્થિતિ નિર્માણ થઈ છે. ભારતના પંચ્ચાણુ ટકા લોકોની સમસ્યાઓની બલિ ચઢાવી કાશ્મીરી લોકો પર જ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરતા હોવાની ભ્રમણા ફેલાવાઈ રહી છે. મોદીજીની આ ચાલ છે કે કાશ્મીરીઓ સપનામાં રાચે અને શેષ ભારત કાશ્મીર પર નજર ટેકવીને પોતાની સમસ્યાઓ અને પીડાઓ વિસારે પાડી દે. તમે જેવી ઘરઆંગણાની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરો તરતજ જવાબ મળે કે પાકિસ્તાનીઓને 300 રૂપિયે ટામેટા ખાતા કરી દીધા ને તમને મોંઘવારી ને બેકારીની ફીકર છે! જ્યાં સુધી કાશ્મીર ની સ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી શેષ ભારત માટે સરકારે પોઝ બટન દબાવી દીધું છે. હવે ભારતનુ અર્થતંત્ર રીસ્ટાર્ટ થાય છે કે સ્ટોપ તે સમય બતાવશે.

મહામંદી વચ્ચે કાશ્મીરમાં પ્લોટ ખરીદવા બાબતે સોશીયલ મીડીયામાં તેજીના તણખા કરતા ભક્તો વિમાસણમાં છે કે સાહેબ તો તિજોરી પર હાથસાફ કરી ગયા આપણે ક્યાં ઘરફોડ કરવી ? ખરેખર મોદીજી એ એક વચન તો પાળી બતાવ્યું કે દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉ, ખુદ પોતે જ ‘હાથફેરો’ કરી ગયા.

અર્થતંત્રમાં સૌથી ભયજનક બાબત એ હોય છે કે જયારે દેશમાં જબરદસ્ત મંદી પ્રવર્તે ત્યારે મોટા-મોટા ઉદ્યોગગૃહો પણ પોતાના અર્થતંત્રની તંદુરસ્તી જાળવી શકતા નથી અને છેવટે ટકવા માટે ખર્ચા ઘટાડવા મજબૂર બને છે અને છેવટે એના કર્મચારીઓ પર જ તલવાર ફરે છે ને છટણીના નામે છૂટા કરી ઘરભેગા કરે છે અને બેકારોની ફોજમાં વધારો થાય છે.

અને બધું બરાબર હોત તો બીએસએનએલ , એમટીએનએલ , એર ઇન્ડિયા , એચ એ એલ જેવી બીજી મોટી કેટલીય કંપનીઓ કેમ મરણ પથારીએ છે ????

દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ જે ૨૦૧૪માં મોદીજીના વખાણ કરતા થાકતા નહોતા એવા રાહુલ બજાજ , અદી ગોદરેજ અને લાર્સન એન્ડ ટુબ્રોના અનિલ નાયક પણ બોલ્યા કે અર્થતંત્રમાં મંદી દેખાઈ રહી છે. શું અદાણી અને અંબાણી બોલે એની રાહ જોવાઈ રહી છે ?

મીડિયા કહે છે કે વડાપ્રધાન અર્થતંત્ર પર સીધી નજર રાખશે …તો પછી અર્થતંત્ર ડૂબાડ્યું કોણે ??? એ પણ યક્ષ પ્રશ્ન છે.

અરે સાહેબ જે કરવું હોય કરો પણ દેશને ડૂબતો બચાવો એ જ અમારી વિનંતી છે કારણકે અમે નાના છોડમાંથી લોહી પરસેવાથી સિંચીને વટવૃક્ષ બનાવ્યુ છે જેને સુકાતું જોઈ ન શકીએ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code