દિન વિશેષ : 60 મિનિટમાં પાકિસ્તાન સામેનું ઓપરેશન પુરું કરનારા એર માર્શલ અર્જન સિંહને શ્રદ્ધાંજલિ
- જાંબાજ એર માર્શલ અર્જન સિંહની કહાણી
- પાકિસ્તાનીઓનું કાશ્મીર લેવાનું સપનું કર્યું હતું ચકનાચૂર
- ઓપરેશન ગ્રાન્ડ સ્લેમને એર માર્શલ અર્જનસિંહે કર્યું હતું ફેલ
98 વર્ષની વયે માર્શલ ઓફ ઈન્ડિયન એરફોર્સ અર્જનસિંહનું નિધન 16 સપ્ટેમ્બર-2017ના રોજ હ્રદયરોગના હુમલાથી થયું હતુ. તેઓ ભારતીય વાયુસેનાના સૌથી વરિષ્ઠ અને ફાઈવ સ્ટાર રેન્ક ધરાવતા એકમાત્ર માર્શલ હતા. અર્જનસિંહને 1965ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવવા બદલ યાદ કરવામાં આવે છે. આવો જાણીએ, કેવી રીતે તેમણે એક કલાકમાં પાકિસ્તાનની હાર નિર્ધારીત કરી દીધી હતી.
અર્જનસિંહને 44 વર્ષની વયે જ ભારતીય વાયુસેનાનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. તેને તેમણે શાનદાર રીતે નિભાવી હતી. અલગ-અલગ પ્રકારના 60થી વધુ યુદ્ધવિમાનોનું ઉડ્ડયન કરનારા એર માર્શલ અર્જનસિંહે ભારતીય વાયુસેનાને દુનિયાની સૌથી શક્તિશાળી વાયુસેનામાંથી એક બનાવી હતી અને દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
60 વર્ષની વય સુધી યુદ્ધવિમાનનું ઉડ્ડયન કર્યું
સર્વોચ્ચ રેન્ક પ્રાપ્ત થયા બાદ પણ સેવાનિવૃત્તિ પહેલા સુધી એર માર્શલ અર્જન સિંહ યુદ્ધવિમાનનું ઉડ્ડયન કરતા હતા. ઘણાં દશકાઓના પોતાના સૈન્ય જીવનમાં તેમણે 60 પ્રકારના યુદ્ધવિમાનોનું ઉડ્ડયન કર્યું હતું. તેમાં દ્વિતિય વિશ્વયુદ્ધથી પહેલા તથા બાદમાં સમસામયિક યુદ્ધવિમાનોની સાથે પરિવહન વિમાનો પણ સામેલ હતા. અર્જનસિંહને 2002માં પ્રજાસત્તાક દિવસે માર્શલની રેન્કથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એર માર્શલ અર્જનસિંહ માત્ર નીડર પાયલટ ન હતા, પરંતુ તેમને એરફોર્સની તમામ ઊંડાણપૂર્વકની જાણકારીઓ હતી. તેમને 1965માં દેશનો બીજો સર્વોચ્ચ નાગરીક પુરષ્કાર પદ્મવિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
એર માર્શલ અર્જનસિંહનો જન્મ 15 એપ્રિલ-1919ના રોજ લાયલપુર (હવે પાકિસ્તાન)માં થયો હતો. 19 વર્ષની વયે આરએએફ ક્રેનવેલમાં એમ્પાયર પાયલટ પ્રશિક્ષણ અભ્યાસક્રમ માટે તેમની પસંદગી થઈ હતી. 1939માં એક પાયલટ અધિકારી તરીકે નિયુક્તિ મેળવી હતી. બામાં 1944માં તેમણે ભારતીય વાયુસેનાની નંબર-1 સ્ક્વોર્ડનનું આરાકાન અભિયાન દરમિયાન નેતૃત્વ કર્યું હતું.
1965માં પાકિસ્તાને ભારતની સામે ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ કર્યું હતું અને પાકિસ્તાની ટેન્કોએ જમ્મુ-કાશ્મીરના અખનૂર જિલ્લામાં હુમલો કર્યો હતો. તે વખતે એર માર્શલ અર્જનસિંહે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો પડકાર ઝડપ્યો હતો. તેમણે પાકિસ્તાનને પઠા ભણાવવા માટે ભારતીય વાયુસેનાનું નેતૃત્વ કર્યું અને 1965માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા પણ નિભાવી હતી.
પાકિસ્તાની હુમલાના અહેવાલ મળતા જ જ્યારે સંરક્ષણ મંત્રાલયે તમામ સેનાપ્રમુખોને કહ્યુ કે થોડાક સમયની મીટિંગ છે. જેમાં એર માર્શલ અર્જન સિંહને પુછવામાં આવ્યું કે તેઓ કેટલી ઝડપથી પાકિસ્તાનની આગળ વધી રહેલી ટેન્કોને રોકવા માટે એરફોર્સ દ્વારા હુમલો કરી શકે છે. તેના જવાબમાં અર્જન સિંહે કહ્યુ કે અમારે માત્ર એક કલાકનો સમય જોઈએ.
તેના પછી એર માર્શલ અર્જન સિંહે પોતાની વાત પર ખરા ઉતરતા અખનૂર તરફ આગળ વધી રહેલી પાકિસ્તાની ટેન્ક અને સેનાની વિરુદ્ધ પહેલો હવાઈ હુમલો એક કલાકથી પણ છઓ સમયમાં કરી દીધો હતો. તેના પછી પાકિસ્તાનને હાર ખાવી પડી હતી.
ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ
ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ દ્વારા પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અને જનરલ અયૂબ ખાને બળપૂર્વક કાશ્મીર પર કબજો કરવાની યોજના બનાવી હતી. જાણકારો પ્રમાણે, પાકિસ્તાનનો આ હુમલો કાશ્મીર પર કબજો કરવા માટે સક્ષમ હતો. પરંતુ જનરલ અયૂબ ખાનને ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની ક્ષમતાઓને લઈને કોઈ અંદાજ ન હતો. માટે હુમલાના પહેલા કલાકમાં જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનો આખો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. તેના પછી પાકિસ્તાનના હાથમાં કંઈ લાગ્યું નહીં.