નીતિ પંચની બેઠક પહેલા મનમોહનસિંહે આપ્યું કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ‘ગુરુજ્ઞાન’
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે શનિવારે ખાસ બેઠક કરી છે. આ બેઠક હાલ દિલ્હીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ સહીતના નેતાઓ સામેલ થયા હતા. જો કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ નાદુરસ્ત તબિયતને કારણે બેઠકમાં સામેલ થઈ શક્યા નથી.
નીતિ પંચની બેઠક પહેલા કોંગ્રેસની આ ખાસ બેઠકમાં ડૉ. મનમોહનસિંહે મુખ્યપ્રધાનોને ગુરુજ્ઞાન આપ્યું હતું. જાણકારી પ્રમાણે, આ બેઠકમાં ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં જીડીપીના આંકડાને લઈને, દુકાળ, ખેડૂતોની સ્થિતિ જેવા મુદ્દાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય આ બેઠકમાં સૂકી નદીઓને પુનર્જીવિત કરવાના મામલે પણ ચર્ચા કરી હતી. જણાવવામાં આવે છે કે આ મુદ્દાને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન નીતિ પંચની બેઠકમાં ઉઠાવશે.
જણાવવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે એટલે કે શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠક પણ થવાની છે. આ બેઠકમાં દુકાળની સ્થિતિ,કૃષિ સંકટ અને નક્સલ પ્રભાવિત જિલ્લા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. બેઠકના એજન્ડામાં રેન વોટર હાર્વેસ્ટિંગ, આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અને કૃષિ ક્ષેત્રમાં સંરચનાત્મક સુધારાને પણ સામેલ કરવામાં આવ્યા છે.
જાણકારી પ્રમાણે, રાષ્ટ્રપતિભવનમાં થનારી આ બેઠકમાં મુખ્યપ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, ઘણાં કેન્દ્રીય પ્રધાનો અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. આ બેઠક બપોરે અઢી વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં થવાની છે. જાણકારી પ્રમાણે, નીતિ પંચની બેઠકમાંથી છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી છે.
મનમોહનસિંહ સાથેની બેઠકમાં મધ્યપ્રદેશના સીએમ કમલનાથ, રાજસ્થાન મુખ્યપ્રધાન અશોક ગહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ, પુડ્ડુચેરીની સીએમ વી. નારાયણસામી અને કર્ણાટકની કોંગ્રેસ-જેડીયુની સરકારના મુખ્યપ્રધાન કુમારસ્વામી બેઠકમાં સામેલ થયા હતા.