બંગાળમાં 70 ટકાથી વધુ લઘુમતી સમુદાયના સ્ટૂડન્ટ્સ હોય તેવી ગ્રાન્ટેડ સ્કૂલોમાં મમતા સરકાર બનાવશે ડાયનિંગ હૉલ
પશ્ચિમ બંગાલની મમતા બેનર્જીની સરકારના વધુ એક આદેશનો ભાજપે વિરોધ શરૂ કર્યો છે. સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મિડ-ડે મિલ માટે ડાયનિંગ હોલ બનાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ આ ડાયનિંગ હોલ એવી સ્કૂલોમાં જ બનશે કે જ્ 70 ટકાથી વધારે લઘુમતી સમુદાયના બાળકો અભ્યાસ કરતા હોય. ભાજપે મમતા સરકારના આદેશ સામે સવાલ ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યુ છે કે ફરી એકવાર બંગાળમાં વિભાજનની રાજનીતિ થઈ રહી છે. ધર્મના આધારે લોકોને વિભાજીત કરાઈ રહ્યા છે. મમતા બેનર્જીનું આ પગલું ઠીક નથી.
વિવાદ વધ્યા બાદ મમતા સરકારે સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આ લઘુમતી મામલાના વિભાગ દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે. લઘુમતી મામલાના રાજ્ય પ્રધાન ગિયાસુદ્દીન મોલ્લાએ કહ્યુ છે કે આ લઘુમતી વિભાગ દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે. તેના હેઠળ વિભાગ લઘુમતી બહુલ સંસ્થાઓમાં મૂળભૂત માળખાના ઉન્નયન માટે કામ કરી રહ્યું છે. જેથી લઘુમતી સ્ટૂડન્ટ્સનો વિકાસ સુનિશ્ચિત થઈ શકે.
પ્રધાને સ્થિતિને સ્પષ્ટ કરતા કહ્યુ છે કે ફંડ લઘુમતી મામલાના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, માટે આ ફંડનો ઉપયોગ એ સંસ્થામાં કરી શકાય છે કે જ્યાં લઘુમતી સમુદાયના બાળકો વધુ સંખ્યામાં ભણે છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ રૂપા ગાંગુલીએ ગૃહમાં પશ્ચિમ બંગાળની હિંસાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું છે કે ગતઘણાં વર્ષોથી બંગાળમાં ખરાબ રીતે લોકોને પરેશાન કરાઈ રહ્યા છે. પોલીસ પણ પરેશાન છે. હું ગત ચાર સત્રથી એ મુદ્દો ઉઠાવી રહી છું કે જેમાં મુદ્દો એ છે કે અલગ-અલગ પાર્ટીઓના નેતાઓને ઈલેક્ટ્રિક શોક આપીને મારવામાં આવી રહ્યા છે.