ડોક્ટરોની સામે ઝુકી મમતા સરકાર, દરેક હોસ્પિટલમાં તેનાત રહેશે એક પોલીસ અધિકારી, હડતાળ સમાપ્ત
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં હિંસાના વિરોધમા હડતાળ પર ગયેલા તબીબો અને રાજ્ય સરકાર વચ્ચે ગતિરોધ સમાપ્ત થવાના આસાર દેખાઈ રહ્યા છે. રાજ્યમાં તબીબો અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે થયેલી વાતચીત બાદ મુખ્યપ્રધાને કોલકત્તા પોલીસ કમિશનર અનુજ શર્માને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ અધિકારીની તેનાતીનો નિર્દેશ આપ્યો છે. તેના સિવાય તબીબોની માગણી પર દરેક સરકારી હોસ્પિટલમાં એક ફરિયાદ નિવારણ સેલ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન સાથેની આ બેઠકમાં પશ્ચિમ બંગાળની દરેક મેડિકલ કોલેજમાંથી બે પ્રતિનિધિઓ સામેલ થયા છે.
સોમવારે કોલકત્તામાં રાજ્ય સચિવાલયની નજીકના એક સભાગારમાં મમતા બેનર્જી અને તબીબો વચ્ચે તમામ ગતિરોધ બાદ થયેલી બેઠકમાં ઘણાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે તબીબોની તમામ માગણી પર રાજ્ય સરકાર સંમત થઈ ગઈ છે. આના પહેલા રવિવારે પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર વિરુદ્ધ ગત છ દિવસોથી હડતાળ કરી રહેલા ડોક્ટરોએ વાટાઘાટો પર સંમતિ વ્યક્ત કરી હતી.
મમતા બેનર્જી તરફથી સુરક્ષાના આશ્વાસન બાદ પશ્ચિમ બંગાળના હડતાળિયા ડોક્ટરોના વલણમાં નરમાશ આવી છે. રવિવારે આંદોલન કરી રહેલા ડોક્ટરોએ કહ્યુ હતુ કે તેઓ દેખાવ સમાપ્ત કરવા માટે મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ મુલાકાતની જગ્યા તેઓ બાદમાં નક્કી કરશે.
બાદમાં મમતા બેનર્જી સરકારે મીડિયાને પણ રાજ્યમાં થનારી આ બેઠકના લાઈવ કવરેજની મંજૂરી આપી હતી. પ. બંગાળમાં રાજ્ય સચિવાલયની નજીક આવેલા સભાગારમાં આ બેઠકનો કાર્યક્રમ નિર્ધારીત કરવામાં આવ્યા હતો. પહેલા ડોક્ટરોએ મમતા બેનર્જી સાથે વાતચીત પર સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ તેમનું કહેવું હતું કે આ વાત બંધબારણે નહીં, પરંતુ મીડિયા કેમેરાની સામે થશે.