અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદ જેવા મુસ્લિમ નેતાઓ ધરાવતી અને સતત મુસ્લિમોની તરફદારીને સેક્યુલારિઝમ ગણાવનારી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ હુસૈન દલવઈએ પોતાની પાર્ટી પર લગાવેલા આરોપો બેહદ ચોંકાવનારા છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે બનનારી સમિતિઓમાં મુસ્લિમોના ઓછા પ્રતિનિધિત્વને લઈને ચિંતા વ્યક્ત કરતા હુસૈન દલવઈએ કહ્યુ છે કે કોંગ્રેસનું નેતૃત્વ મુસ્લિમ બહુલ વિસ્તારોમાં મુસ્લિમ નેતાઓની અવગણના કરીને અન્યોને ચૂંટણી લડાવવા ચાહે છે. આ કારણે જ સોમવારે તેઓ આ મામલા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના ટોચના નેતા કે. સી. વેણુગોપાલને મળવા માટે પહોંચ્યા હતા.
દલવઈએ પત્રકારોને કહ્યુ હતુ કે મને લાગે છે કે પોતાની વસ્તીના પ્રમાણે લઘુમતી સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી. પાર્ટીની રણનીતિક સમિતિમાં માત્ર એક જ વ્યક્તિ રહે છે. મારા જેવા વ્યક્તિએ પણ કમિટીમાં હોવું જોઈએ. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે જ્યારે પણ અન્ય પાર્ટીઓ સાથે ચર્ચાની વાત આવે છે, ત્યારે અમારી અવગણના કરવામાં આવે છે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી અન્યોને મોકો મળે છે. હું આ મુદ્દા પર કે. સી. વેણુગોપાલને મળવા આવ્યો છું, પરંતુ તેઓ ત્યાં ન હતા.
તેમના પ્રમાણે, દરેક સમિતિમાં મુસ્લિમોનું ઓછું જ પ્રતિનિધિત્વ હોય છે. ઘોષણાપત્રવાળી સમિતિમાં માત્ર બે મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા હતા. મુસ્લિમોના મામલા ઉઠાવવા મહત્વપૂર્ણ છે. જો તમે મુસ્લિમોથી આટલું ડરો છો, ત્યારે તમારે તેમના વોટ કેમ જોઈએ છે? દલવઈએ આ આરોપ એવા સમયે લગાવવામાં આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં રાજ્યના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણને આ સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને બાલાસાહેબ થોરાટને આ જવાબદારી આપવામાં આવી હતી.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઘણી સમિતિઓની રચના કરી છે, જેમાં હુસૈન દલવઈ સિવાય મુઝફ્ફર હુસૈન અને આરિફ નસીમ ખાન જાણીતા મુસ્લિમ નેતાઓને સદસ્ય બનાવવામાં આવ્યા હતા. પરંતુ દલવઈએ કહ્યુ છે કે આ લોકોને મુખ્ય કમિટીઓમાં સામેલ કરવામાં આવ્યા નથી.
મહત્વપૂર્ણ છે કે 288 વિધાનસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી છે. હાલ ભાજપની પાસે 122, શિવસેનાના 63, કોંગ્રેસની પાસે 2, એનસીપીની પાસે 41 અને એમએનએસ પાસે માત્ર એક બેઠક છે.