મચ્છૂ જળ હોનારતને 41 વર્ષ પૂર્ણ, હોનારતમાંથી બહાર નીકળીને ઉદ્યોગક્ષેત્રે આગળ વધતું મોરબી
અમદાવાદઃ મોરબી સહિત ગુજરાતની જનતા તા. 11મી ઓગસ્ટ 1979ના એ કાળા દિવસને ક્યારેય નહીં ભૂલે. આજથી 41 વર્ષ પહેલા મોરબીમાં જળ હોનારત થઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ મોરબી નગર વહેતી નદીમાં ફેરવાય ગયું હતું. જો કે, જળ હોનારત બાદ મોરબી બેઠુ થયું હતું. તેમજ વિકાસની હરણફાળ ભરી હતી. આજે મોરબીનો સિરામિક અને ઘડિયાળ સહિતના ઉદ્યોગો માત્ર દેશમાં જ નહીં સમગ્ર દુનિયામાં જાણીતો છે. પરંતુ આજે પણ મોરબીવાસીઓ 41 વર્ષ પહેલા આવેલા મચ્છુ જળ હોનારતને ભુલ્યાં નથી અને તેને યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે.
મોરબીમાં તા. 11 ઓગસ્ટ 1979ના દિવસે સામાન્ય જનજીવન ધબકતું હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટતા ડેમના પાણી ગણતરીના સમયમાં જ શહેરમાં ફરી વળ્યાં હતા. મોરબીમાં આવેલા આ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. આ જળ હોનારતની દુર્ઘટના બાદ મોરબી તરફ વિશ્વભરમાંથી માનવતાનો ધોધ વરસ્યો હતો. મોરબીને બેઠુ કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પુરગ્રસ્તો અને અસરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. આ હોનારત બાદ મોરબી ફરી બેઠુ થયું હતું અને મોરબીનું નામ ઉદ્યોગોને કારણે માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર દેશમાં અવલ્લ રહ્યું છે.
મોરબીવાસીઓ દર વર્ષે આજના દિવસે દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. અમેરિકાની બે વિદ્યાર્થી ઉત્પલ સાડેસરા અને ટોમ વુડને મચ્છુ જળ હોનારતની સત્ય હકીકત બહાર લાવવા માટે ગહન સંશોધન કરીને પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે, ક્ષમતાની અયોગ્ય ગણતરીના કારણે મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટી ગયા હતા. કેન્દ્ર સરકારની અનેક ચેતવણી છતા રાજ્ય સરકારના તે વખતના ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહતમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ઈજનરોની આ ખોટી ગણતરી ખોટી ગણતરી આ દુર્ઘટના માટે જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.