પ્રશંસનીય : યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની VIP સુરક્ષામાંથી હટાવ્યા 50 સુરક્ષાકર્મી
વીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે નક્કર પગલું ઉઠાવ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની સુરક્ષામાં તેનાત 50 સુરક્ષાકર્મીઓની ટુકડીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય લોકોની સેવા કરવી જોઈએ.
રાજ્યપાલ આનંદીબહેન પટેલના આ પગલાની પ્રશંસા થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ આનંદીબહેન પટેલને જુલાઈમાં જ ઉત્તરપ્રદેશના 25મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને દેશના સૌથી મોટા રાજ્યના પહેલા મહિલા રાજ્યપાલ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
આનંદીબહેન પટેલનો જન્મ 21 નવેમ્બર-1941ના રોજ થયો હતો. તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પહેલા મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. તેઓ 1998થી ગુજરાતના ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે. તેઓ 1987માં ભાજપમાં જોડાયા અને ગુજરાત સરકારમાં સડક અને ભવન નિર્માણ, મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી આવાસ, આફત પ્રબંધન અને નાણાં જેવા મહત્વપૂર્ણ વિભાગોના કેબિનેટ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે.
2014ના 100 ટોચના પ્રભાવશાળી ભારતીયોમાં તેમને યાદીબદ્ધ કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાતની રાજનીતિમાં ‘લોખંડી મહિલા’ તરીકે પણ જાણીતા છે. જાન્યુઆરી-2017માં તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હતા. આનંદીબહેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટવર્તી રાજનીતિજ્ઞ છે.