નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા બાદ અલ્લાહ-હૂ-અકબરના સૂત્ર પોકારીને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ઓવૈસીએ સંસદીય સત્રના બીજા દિવસે સાંસદ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. પરંતુ તેમની શપથ દરમિયાન જય શ્રીરામ, ભારતમાતા કી જય, વંદેમાતરમના સૂત્રો પોકારવાનું શરૂ થયું હતું. તેના જવાબમાં ઓવૈસીએ જય ભીમ, જય મીમ, તકબીર અલ્લાહ હૂ અકબર અને જય હિંદના સૂત્રો પોકાર્યા હતા.
ઓવૈસીએ ભારતીય સંસદમાં આ સૂત્ર એક પ્રતિક્રિયા તરીકે લગાવ્યું હતું. તેના શપથગ્રહણ દરમિયાન સતત જય શ્રીરામ અને ભારતમાતા કી જયના સૂત્રો લાગી રહ્યા હતા. તેવામાં જ્યારે ઓવૈસીએ પોતાના શપથની પંક્તિઓ પુરી કરી પોતાના સૂત્રો દોહરાવ્યા હતા. તેના પછી તેમણે સૂત્રો પોકારનાર ખેમા પર શાબ્દિક હુમલો પણ કર્ય હતો. આના પહેલા જ્યારે તેઓ શપથ લેવા માટે પોતાની બેઠક પરથી ઉઠયા તો તેમણે પોતાના બંને હાથ ઉપર ઉઠાવીને વિપક્ષોને જોરદાર સૂત્રોચ્ચાર કરવાનું જણાવ્યું હતું.
જ્યારે ગૃહમાં સૂત્રોની ગુંજ કમજોર પડી તો ઓવૈસીએ તાત્કાલિક ભાજપ પર શાબ્દિક હુમલા કરવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આ સારું છે કે મારા બહાને તેમને આ શબ્દ વારંવાર યાદ આવે છે. તેઓ તેને દોહરાવે છે. પરંતુ સારું હશે કે આના સ્થાને ભાજપ બિહારના મુઝફ્ફરપુરમાં થઈ રહેલા બાળકોના મોત પર ધ્યાન આપે.
બાદમાં ઓવૈસીએ પહેલાની જેમ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે જેવી રીતે આ શબ્દ તેઓ વારંવાર જપી રહ્યા છે, તેવી જ રીતે પાર્ટીઓ બંધારણ અને જનતાના કલ્યાણને લઈને માળા જપે તો સારું થશે. બાદમાં પોતાની વાત પૂર્ણ કરતા તેમણે સૂત્રનો જવાબ સૂત્રથી આપતા અલ્લાહ હૂ અકબરનો નારો લગાવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જય શ્રીરામ બોલવાને લઈને પશ્ચિમ બંગાળમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ટપાલથી હજારોની સંખ્યામાં જય શ્રીરામ લખેલા પત્ર ભાજપના નેતાઓ અને સમર્થકોએ મોકલ્યા છે. એવો આરોપ છે કે મમતા બેનર્જી જય શ્રીરામનું સૂત્ર બોલવાથી રોકે છે.
આ ક્રમમાં જ્યારે 17 જૂને સંસદીય સત્રનો પ્રારંભ થયો અને નવા સાંસદોએ શપથ લેવાનું શરૂ કર્યું, તો જ્યારે જ્યારે પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ શપથ લેવા પહોંચ્યા સંસદમાં જય શ્રીરામના સૂત્રો ગુંજ્યા હતા. ટીએમસીના સાંસદોએ શપથ દરમિયાન જ્યારે જય શ્રીરામના સૂત્રો લાગ્યા, તો મોટાભાગનાએ તેનો જવાબ આપવો યોગ્ય માન્યું નહીં અને તેઓ શપથ લીધા બાદ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા હતા. પરંતુ ઓવૈસીએ ભૂતકાળની જેમ આના પર ખુલીને જવાબ આપ્યો હતો.