એક દેશ એક ભાષા પર કમલ હસને ટીપ્પણી કરી છે
વીડિયો જાહેર કરીને કમલ હસને આનો વિરોધ કર્યો છે
જલીકટ્ટૂથી પણ મોટા આંદોલનની આપી છે ચેતવણી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા દેશની રાષ્ટ્રભાષા પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ધમાસાણ થંભી રહ્યું નથી. આની વિરુદ્ધ સૌથી તીખો અવાજ દક્ષિણમાંથી બુલંદ થયો છે. હવે સાઉથના સુપરસ્ટાર અને રાજનેતા કમલ હસને આ મામલે ટ્વિટ કર્યું છે. કમલ હસને એક વીડિયો ટ્વિટ કરતા કહ્યુ છે કે દેશમાં એક ભાષાને થોપી શકાય નહીં. જો આમ થશે તો તેના સંદર્ભે મોટું આંદોલન થશે.
ટ્વિટર પર એક વીડિયો જાહેર કરીને કમલ હસને કહ્યુ છે કે કોઈ શાહ, સુલ્તાન અથવા સમ્રાટ અચાનક વાયદો તોડી શકે નહીં. 1950માં જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું હતું,ત્યારે આ વાયદો કરવામાં આવ્યો તો કે દરેક ક્ષેત્રની ભાષા અને સંસ્કૃતિનું સમ્માન કરવામાં આવશે અને તેને સુરક્ષિત રાખવામાં આવશે.
સાઉથના સુપરસ્ટારે કહ્યુ છે કે ઘણાં રાજાઓએ પોતાના રાજપાઠ દેશની એકતા માટે ન્યોછાવર કરી દીધા છે. પરંતુ લોકો પોતાની ભાષા, કલ્ચર અને ઓળખને ખોવા ચાહતા નથી. કમલ હસને કહ્યુ છે કે ભારત એવો દેશ છે કે જ્યાં લોકો એકસાથે બેસીને ભોજન કરે છે, કોઈના પર કંઈ થોપી શકાય નહીં. તેમણે વીડિયોમાં કહ્યુ છે કે તમિલને લાંબા સમય સધી જીવવા દો, દેશને સમૃદ્ધ થવા દો.
કમલ હસને કહ્યુ છે કે કોઈપણ નવો કાયદો અથવા સ્કીમ લાવતા પહેલા સામાન્ય લોકો સાથે વાત કરવી જોઈએ. જલીકટ્ટૂ માટે જે થયું તે માત્ર એક પ્રદર્શન હતું, પરંતુ ભાષાને બચાવવા માટે જે થશે તે આનાથી મોટું હશે.
સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યો આકરો જવાબ
કમલ હસનના આ વીડિયો બાદ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે કમલ હસન, એમ. કે. સ્ટાલિન હિંદી થોપવાની વાત કરી રહ્યા છે. તમિલનાડુમાં હિંદી નહીં ભણાવવાને લઈને તેઓ શું કહેશે ? હિંદીને પણ તમિલનાડુમાં વૈકલ્પિક ભાષા બનવા દેવી જોઈએ.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી દિવસના પ્રસંગે કહ્યુ હતુ કે હિંદી આપણી રાજભાષા છે. આપણે ત્યાં ઘણી ભાષાઓ બોલવામાં આવે છે. પરંતુ એક એવી ભાષા હોવી જોઈએ જે દુનિયામાં દેશનું નામ બુલંદ કરે અને ઓળખને આગળ વધારે તથા હિંદીમાં આ તમામ ખૂબીઓ છે.
આ નિવેદન બાદ તેના પર વિવાદ થયો હતો. દક્ષિણના ઘણાં નેતાઓ અસદુદ્દીન ઓવૈસી સહીતના વિપક્ષના ઘણાં મોટા નેતાઓએ અમિત શાહના નિવેદનનો વિરોધ કર્યો હતો.