શેન વોર્ન નહીં પણ તેના પહેલા આ હતો દુનિયાનો સર્વશ્રેષ્ઠ સ્પીન બોલર
ક્રિકેટના ઈતિહાસમાં એવા એવા ધુરંધર આવી ગયા જેમાંથી કેટલાક નામ તો લોકોને ખબર જ નહીં હોય, ઈંગલેન્ડના એવા જ એક સ્પીન બોલર હતા જેમણે વર્ષ 1956માં એકલા હાથે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. તેમનું નામ છે જીમ લેકર.
વાત છે 31 જૂલાઈ 1956ની કે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગલેન્ડની માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ સમયે જીમ લેકરએ પહેલી ઈનિંગમાં 37 રન આપીને 9 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં 53 રન આપીને 10 વિકેટ લીધી હતી. આ ટેસ્ટ મેચમાં જીમ લેકર સિવાય એક જ બોલરને એક વિકેટ મળી હતી તે હતા ટોની લોક. આ મેચમાં ઈંગલેન્ડની એક ઈનિંગ અને 170 રનથી જીત થઈ હતી.
જિમ લેકરનું 1986માં અવસાન થયું હતુ પણ તેમની કારકીર્દીની વાત કરવામાં આવે તો 46 ટેસ્ટમાં 21.24 ની સરેરાશથી કુલ 193 વિકેટ ઝડપી હતી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો લેકરે 450 મેચમાં 18.41ની એવરેજથી 1944 વિકેટ લીધી હતી.
આ સિવાય પણ અન્ય ધુરંધર બોલરો હતા જેમણે રેકોર્ડ બનાવ્યા છે જેમાં ઈંગલેન્ડના બોલર સિડની બાર્ન્સ પણ છે જેમણે જહોનીસબર્ગમાં વર્ષ 1913માં સાઉથ આફ્રિકા સામે 159 રન આપીને 17 વિકેટ લીધી હતી. ભારત તરફથી નરેન્દ્ર હિરવાની હતા જેમણે ચેન્નાઈના સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડિઝ સામે વર્ષ 1988માં 136 રન આપીને 16 વિકેટ લીધી હતી.
આજ સુધીમાં વિશ્વના બે જ બોલર એવા છે જેમણે એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હોય જેમાં એક છે જીમ લેકર, જેમણે વર્ષ 1956માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માંચેસ્ટરમાં એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી અને તે બાદ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ વર્ષ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ દિલ્લીમાં એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી.
_VINAYAK