સંકટમાં ફસાયેલી એરલાઈન જેટ એરવેઝ હવે બંધ થવાની કગાર પર છે. તેના પર આખરી નિર્ણય મંગળવારે એટલેકે આજે થનારી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં થઈ શકે છે. આ દરમિયાન જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે સંકટમાં ફસાયેલી એરલાઈનમાં પાર્ટનરશિપના અધિગ્રહણ માટે બોલી લગાવવાની પ્રક્રિયાથી પોતાને અલગ કરી દીધા છે.
આ પહેલા જેટ એરવેઝને સંકટમાંથી બહાર કાઢવા માટે લેણદાર બેન્કોની સોમવારે મીટિંગ થઈ હતી. ઘણા કલાકો સુધી ચાલેલી આ લાંબી મીટિંગમાં કોઈ નિર્ણય આવી શક્યો ન હતો. આ દરમિયાન જેટ એરવેઝે સોમવારે પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને 18 એપ્રિલ સુધી રોકવાની જાહેરાત કરી છે. જ્યારે જેટ એરવેઝના પાયલટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્કોને આ એરલાઈનને પડી ભાંગતી બચાવવા માટે અપીલ કરી છે.
જેટ એરવેઝના મુખ્ય કાર્યકારી અધિકારી વિનય દુબેના જણાવ્યા પ્રમાણે, લેણદારો પાસેથી ફંડ ન મળી શકવાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અટકાવવામાં આવી છે. દુબેએ કહ્યું કે અમે લેણદારો સાથે કામ કરી રહ્યા છે જેથી પરિચાલન માટે ભંડોળ ભેગું કરી શકાય. હજુ સુધી અમને આ રકમ મળી નથી. તેમણે કહ્યું કે લેણદારો સાથે વાતચીતની હાલની પરિસ્થિતિ ઉપરાંત અન્ય સંબંધિત મામલાઓને મંગળવારે બોર્ડની સમક્ષ મૂકવામાં આવશે.
દુબેએ કહ્યું કે અમે અમારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 18 એપ્રિલ સુધી બંધ રાખીશું. ઉલ્લેખનીય છે કે એરલાઈનની લાંબા અંતરની ફ્લાઇટ્સ મોટા આકારની બોઈંગ બી 777 અને એરબસ એ-330 વિમાન દ્વારા ઉડાડવામાં આવે છે. જ્યારે એરલાઈનના પશ્ચિમ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાન બજારો માટે નાના બી-737 વિમાન તહેનાત કરવામાં આવ્યા છે.