કાશ્મીર: શોપિયાં એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર લતીફ ટાઈગર સહીત ત્રણ આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપિયાં ખાતે ઈમામ સાહિબ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદદીનના આતંકવાદી લતીફ ટાઈગરના ઠાર થવાના અહેવાલ છે. શુક્રવારે સવારે શરૂ થયેલી અથડામણમાં લતીફ ટાઈગર સહીત ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
અથડામણમાં ઠાર થયેલો લતીફ ટાઈગર હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો આતંકી કમાન્ડર હતો. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન હાથ ધર્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવારે સવારે લગભગ છ વાગ્યે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. સેનાની નોર્ધન કમાન્ડે ટ્વિટમાં જણાવ્યું છે કે શોપિયાંમાં ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓ ઠાર થયા છે. આતંકીઓ પાસેથી ઘાતક હથિયારો જપ્ત થયા છે. સુરક્ષાદળો દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું છે.
એક અધિકારીનું કહેવું છે કે આતંકવાદીઓના ઠેકાણા સંદર્ભે જાણકારી મળ્યા બાદ બંને તરફથી થોડોક સમય ગોળીબાર થયો હતો. અધિકારીએ કહ્યુ છે કે આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.
સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ સામેલ હોવાનું જણાવાઈ રહ્યુ હતું. અથડામણમાં સુરક્ષાદળોને કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. હાલ સુરક્ષાદળોએ વિસ્તારમાં મોટું તલાશી અભિયાન ચલાવ્યું છે.