ભગતસિંહનો આદર કરનાર પાકિસ્તાન તેમને શહીદ-એ-આઝમ બનવાના પ્રેરક જલિયાંવાલા બાગ હત્યાકાંડને પોતાના ઈતિહાસનો ભાગ ગણતું નથી!
- આનંદ શુક્લ
14 ઓગસ્ટ-1947 પહેલા કોઈ પાકિસ્તાન હતું નહીં, માત્ર હિંદુસ્તાન હતું અને તેને બ્રિટિશ હુકૂમતથી આઝાદી મેળવવી હતી. 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ભારતની આઝાદીની લડાઈનો સતત પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. પરંતુ 1920થી 1947 સુધીના આઝાદીના લડવૈયાઓના દિલોદિમાગમાં કોઈ ઘટનાની સૌથી મોટી અસર રહી હોય, તો તે અસર જલિયાંવાલા બાગના જઘન્ય હત્યાકાંડની રહી હતી.
જલિયાંવાલા બાગના હત્યાકાંડને કારણે ક્રાંતિકારી આંદોલન અને ગાંધી પ્રેરીત અસિંહક આંદોલનોને વેગ મળ્યો અને તેમા સામેલ સ્વતંત્રતાસેનાનીઓ માટે અમૃતસરની જઘન્ય ઘટનાનો મોટો પ્રભાવ હતો. પરંતુ ટુ નેશન થિયરીના આધારે માત્ર ટાઈપ રાઈટર અને એક મદદનીશની મદદથી અલગ પાકિસ્તાન બનાવી લેનારા મુસ્લિમ લીગના મોહમ્મદ અલી ઝીણા અને તેમના કથિત પાકિસ્તાન આંદોલનના ઈતિહાસમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડને સામેલ જ કરવામાં આવ્યો નથી.
ખેર એ અલગ વાત છે કે જે રીતે ટુ નેશન થિયરીને પાકિસ્તાનના ઈતિહાસમાં ભણાવવામાં આવે છે, તેવી કોઈ દ્વિરાષ્ટ્રવાદની થિયરી 1920-22ના ખિલાફત આંદોલન પહેલા તત્કાલિન હિંદુસ્તાનમાં અસ્તિત્વમાં જ ન હતી. જો તેનું અસ્તિત્વ હતું, તો તે કેટલાક વર્ચસ્વધારી વર્ગોમાં જ હતું. સામાન્ય લોકો માટે આઝાદીની લડાઈમાં જલિયાંવાલા બાગ સુધી આવા કોઈ ભેદભાવ ન હતા.
આજે જલિયાંવાલા બાગ હત્યાકાંડને એકસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે નપાવટ મુસ્લિમ લીગ અને તેના દ્વારા કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા આપણા હમસાયા પાકિસ્તાનના ઈતિહાસમાં આઝાદીની લડાઈના શહીદોને કોઈ સ્થાન નહીં આપવાની ઘટના બદલ માત્ર બ્રિટન જ નહીં, પણ ઈસ્લામાબાદે પણ માફી માંગવી જોઈએ.
અમૃતસરના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર દ્વારા કરવામાં આવેલા હત્યાકાંડમાં જમીન પર ઉભી થયેલી લાલાશમાં હિંદુ, મુસ્લિમ, શીખ એમ તમામ ભારતીયોના લોહીનો રંગ ભળેલો હતો.
ભારતમાં આઝાદીની લડાઈને કચડી નાખવા માટે 1857થી અંગ્રેજો સતત દમનકારી પ્રવૃત્તિઓ અને કાયદા લાવીને લોકોને રંજાડી રહ્યા હતા. રોલેટ એક્ટ પણ એક આવો જ કાયદો હતો. અંગ્રેજોના કાળા કાયદા રોલેટ એક્ટ દરમિયાન ઉભા થયેલા વિરોધના સૂરમાં હિંદુ, શીખ, મુસ્લિમ તમામના અવાજ એક થઈ ચુક્યા હતા. જલિયાંવાલા બાગ ખાતેની સભાના નેતાઓ સૈફુદ્દીન કિચલૂ અને સત્યપાલને 10મી એપ્રિલ, 1919ના રોજ અંગ્રેજ પોલીસે એરેસ્ટ કરી લીધા હતા. 13 એપ્રિલ-1919ની જલિયાંવાલા બાગની સભામાં રોલેટ એક્ટના વિરોધ સિવાય સૈફુદ્દીન કિચલૂ અને સત્યપાલની મુક્તિની માગણી પણ બુલંદ થવાની હતી. 1857ની જેમ ફરી એકવાર રોલેટ એક્ટ સામે હિંદુ મુસ્લિમોને અંગ્રેજો એક થઈ રહેલા જોઈ રહ્યા હતા. જલિયાંવાલા બાગ ખાતેની 13 એપ્રિલ-1919ની સભાની વ્યવસ્થાની જવાબદારી ડૉ. મહોમ્મદ બશીરની હતી.
જલિયાંવાલા બાગ ખાતે એકસો વર્ષ પહેલા બ્રિગેડિયર જનરલ રેજિનેલ્ડ ડાયર દ્વારા નિશસ્ત્ર લોકો પર 1650 રાઉન્ડ ફાયરિંગ કરીને 1000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં એક નવો વળાંક આપનાર માનવામાં આવે છે. ત્યારે તેને પાકિસ્તાન બનવાના આંદોલનનો ભાગ નહીં ગણવાની વાત કરીને પાડોશી દેશ દ્વારા પોતાની દ્વિરાષ્ટ્રવાદની થિયરીને જીવતી રાખવાની નિષ્ફળ કોશિશ ગત સાત દાયકાથી વધુ સમયથી થઈ રહી છે.
થવું તો એવું જોઈતું હતું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ મામલે બ્રિટનની માફીની માગણી ભારત અને પાકિસ્તાન બંને સાથે મળીને કરે. જો ભગતસિંહને પાકિસ્તાન શહીદ-એ-આઝમ કહીને તેમના ચિન્હોને આદર આપવા માટે તૈયાર થતું હોય,તો જલિયાંવાલા બાગના શહીદોને પણ સ્વીકારવામાં તેને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. શદીદ-એ-આઝમ ભગતસિંહ પણ ક્યારેય પાકિસ્તાન આંદોલનનો ભાગ રહ્યા નથી અને તેઓ તો સંપૂર્ણ હિંદુસ્તાનની આઝાદી માટે પોતાનો જીવ કુરબાન કરનાર ક્રાંતિકારી હતા.
શું પાકિસ્તાનને તેના અસ્તિત્વના સાત દાયકા લાંબા સમયગાળા પછી પણ ડર લાગી ગયો છે કે તેની નવી પેઢીથી છૂપાવીને રાખવામાં આવેલા સ્વતંત્રતા આંદોલનની સચ્ચાઈની એક મહત્વની ઘટના જલિયાંવાલા બાગ હત્યાકાંડને પોતાના ઈતિહાસનો ભાગ ગણી લેવામાં આવશે, તો તેની અસર ત્યાંના લોકોના દ્રષ્ટિકોણમાં પડવા લાગશે? શું પાકિસ્તાનને જલિયાંવાલા હત્યાકાંડને સ્વીકારવાથી પોતાના અસ્તિત્વ પર જોખમ લાગી રહ્યું છે? ?
પરંતુ આમ નહીં કરવાથી પાકિસ્તાન એ સચ્ચાઈને નકારી શકશે કે જલિયાંવાલા બાગની હત્યાકાંડને કારણે 1947માં આખા દેશને આઝાદી મળવાનો પાયો પણ નંખાયો હતો અને તેના કારણે 14 ઓગસ્ટે – 1947 ના રોજ પાકિસ્તાનને અસ્તિત્વ પણ મળ્યું હતું.
જો કે હકીકત તો એવી પણ છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડના 42 વર્ષ અને ભારતની આઝાદીના 14 વર્ષ બાદ 1961માં જલિયાંવાલા બાગમાં શહીદો માટે એક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાને તો તેના બન્યાના આટલા વર્ષે પણ જલિયાંવાલા બાગના શહીદો પ્રત્યે કોઈપણ પ્રકારની કૃતજ્ઞતા દર્શાવવાથી સતત પરહેજ કરીને પોતાના કૃત્રિમ અસ્તિત્વને ટકાવી રાખવાની કોશિશો કરી છે.
કથિત પાકિસ્તાન આંદોલનનો ઘટનાક્રમ જલિયાંવાલા બાગની ઘટનાના પણ ઘણાં વર્ષો બાદ શરૂ થયો હતો. જો કે તેના પહેલા જ ભારતની આઝાદીની લડાઈના લડવૈયાઓ માટે આ ઘટના એક પ્રેરણાસ્ત્રોત બની ચુકી હતી. અલી બંધુઓ મૌલાના મોહમ્મદ અલી જૌહર, મૌલાના શૌકત અલી અને અન્ય મુખ્ય મુસ્લિમ નેતાઓએ પણ ત્યારે જલિયાંવાલા બાગના શહીદોના સમર્થનમાં જ ઉભા રહેવાનું પસંદ કર્યું હતું. આવા લોકોના નામ પાકિસ્તાન બનાવનારાઓની યાદીમાં સામેલ છે. પરંતુ જે લોકોએ પોતાની ધરતીને આઝાદ કરવા માટે પ્રાણોની આહૂતિ આપી દીધે છે, તેમને પાકિસ્તાનમાં ક્યારેય યાદ સુદ્ધાં પણ કરવામાં આવ્યા નથી. જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને ધાર્મિક, વૈચારીક અને રાજકીય પ્રશ્નાર્થો વચ્ચે પાકિસ્તાને પોતાના ઈતિહાસમાંથી દેશવટો આપવાનું પાપ કર્યું છે.
ભારતની આઝાદીની લડાઈની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એક જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાકિસ્તાનના ઈતિહાસમાં સ્થાન મળ્યું નથી અને તેને પાડોશી દેશ પોતાની સ્કૂલો અને કોલેજોમાં પણ ભણાવતું નથી. પાકિસ્તાનમાં કેટલીક હદે સાંસ્કૃતિક ક્ષેત્રના બુદ્ધિજીવીઓ ત્રુટક-ત્રુટક રીતે યાદ જરૂરથી કરી લેતા હોય છે.
પાકિસ્તાની વાર્તાકાર સઆદત હસન મંટોએ કેટલીક ઘટનાઓ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર લખી અને તેના દ્વારા આઝાદીના લડવૈયાઓને યાદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ટેલિવિઝનના પ્રેઝન્ટર હુસૈન તારડે 13 એપ્રિલ- 2016ના રોજ નઈ બાત જર્નલમાં મેરા નાટક જલિયાંવાલા બાગ જો પાકિસ્તાન કા ઈતિહાસ ભી હૈ- વિષય પર આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે તેમણે પાકિસ્તાન ટેલિવિઝનની નીતિઓ સંદર્ભે સ્પષ્ટ લખ્યું છે કે જલિયાંવાલા બાગનો પાકિસ્તાનના ઈતિહાસને કોઈ સંબંધ નથી, તેના કારણ જલિયાંવાલા બાગ નાટક પીટીવી પર ચાલી શકે નહીં.
એઝાઝ મીરે 19 માર્ચ-2014ના રોજ પોતાના લેખ ઈકબાલ કા આફાકી પૈગામ ઔર તક્સીમ-એ-હિંદમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો અને તેમણે એમ પણ લખ્યું હતું કે પાકિસ્તાનના રાષ્ટ્રીય શાયર અલ્લામા ઈકબાલે પણ ક્યારેય આ ઘટના પર કંઈ કહ્યું નથી.
પાકિસ્તાની અખબાર જંગમાં 12 ઓગસ્ટ-2013ના રોજ આઈયે તહરીકે આઝાદી કે એખ હીરો કો યાદ કરતે હૈ- વિષય પર શાહીદ જતોઈએ ઉધમસિંહ અને જલિયાંવાલા બાગના શહીદોને પાકિસ્તાનના ક્વેટાની સિવિલ હોસ્પિટલ પર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓ સાથે સાંકળ્યા હતા.
13 એપ્રિલ, 2017ના રોજ આ હત્યાકાંડ પર તનવીર જહાંએ જલિયાંવાલા બાગ પર ક્યાં ગુજરી નામથી લેખ હમ સબ-માં લખ્યો હતો. શીન શૌકતે 23 માર્ચ-2018ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર જાણકારી સભર એક લેખ મશરીકમાં લખ્યો હતો.
અભિનેતા સાજિદ હસને લખેલા નાટક હવા કુછ યૂં-ને માર્ચ-2018માં કરાચીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં જલિયાંવાલા બાગની ઘટના રજૂ કરવામાં આવી હતી.
આજના સમયગાળામાં સોશયલ મીડિયા એક મહત્વનું માધ્યમ છે, તેના દ્વારા પાકિસ્તાનના લોકો સુધી જલિયાંવાલા બાગની ઐતિહાસિક સચ્ચાઈ પહોંચાડી શકાય છે અને આને માનવા માટે ઈસ્લામાબાદમાં બેઠેલી સરકારને પણ મજબૂર કરી શકાય છે, કારણ કે પાકિસ્તાનના લોકો પણ પોતાના મૂળિયાને ભલે ભૂલી ચુક્યા છે, પણ કપાયા નથી. આ મૂળિયા સાથેના કેટલાક તંતુઓ હજીપણ પાકિસ્તાનીઓના જોડાયેલા છે. તબીબી વિજ્ઞાનમાં કોઈ અંગના તંતુઓ જોડાયેલા હોય, તો તેને ફરીથી જોડીને કાર્યરત કરી શકાય છે અને આવું પાકિસ્તાનીઓ સાથે પણ કરી શકાય છે. આમ થવાથી કદાચ પાકિસ્તાનને આતંકના રસ્તે લઈ જનારાઓની ચુંગલમાંથી મુક્ત કરી શકાય.
તમારો અભિપ્રાય
શું જલિયાંવાલા બાગ હત્યાકાંડની અવગણના કરીને પાકિસ્તાન પોતાના કૃત્રિમ અસ્તિત્વને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે? તમારો અભિપ્રાય અને સંદેશ નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો.