ભારતમાં આતંકવાદ ફેલાવવાની ફિરાકમાં ISIS, હિંદ મહાસાગરના માર્ગે ભારતમાં આતંકી ઘૂસવાની ફિરાકમાં
તિરુવનંતપુરમ: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને શ્રીલંકા બંને દેશોમાં આઈએસઆઈએસનો ખતરો સતત વધી રહ્યો છે. આ દરમિયાન એજન્સીઓએ આઈએસને લઈને એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે હવે આઈએસઆઈએસની નજરો ભારત અને શ્રીલંકામાં આતંકવાદના નવા ઠેકાણા બનાવવા પર ટકેલી છે.
ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, ભારત અને શ્રીલંકામાં પગ ફેલાવવા માટે આતંકવાદી સંગઠન આઈએસ હિંદ મહાસાગરના માર્ગે અહીં ઘૂસે તેવી શક્યતા છે. આઈએસના આ વલણ સીરિયા અને ઈરાકમાં તેને થયેલા નુકસાન બાદ સામે આવ્યું છે.
કેરળ પોલીસના અધિકારીઓને આવા ત્રણ પત્ર રાજ્યની ગુપ્તચર એજન્સીએ આપ્યા છે. જેમાં આતંકવાદીઓની આ ગતિવિધિઓને લઈને લખવામાં આવ્યું છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઈરાક અને સીરિયાના વિસ્તારમાં નુકસાન બાદ, આઈએસના ઓપરેટર્સને પોતપોતાના દેશ પાછા જઈને જેહાદના હિંસક સ્વરૂપને દેખાડવાની વાત કહેવામાં આવી છે.
એક અન્ય પત્રમાં ગુપ્તચર જાણકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોચ્ચિના મુખ્ય વિસ્તારો, જેમા એક મુખ્ય શોપિંગ મોલ પણ સામેલ છે, આઈએસના આતંકીઓ તેને ટાર્ગેટ બનાવે તેવી શક્યતા છે. પત્રમાં લખવામાં આવેલી આ વાતોએ ભારતમાં આઈએસ સંબંધિત સાઈબર ગતિવિધિઓને વધારવા માટે આતંકી હુમલાના સંકેત આપ્યા છે.
અધિકારીઓએ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કાશ્મીરને ટાંકતા કહ્યુ છે કે દેશમાં આઈએસઆઈએસના પ્રભાવને કારણે આ તમામ રાજ્યો સૌથી વધુ અસુરક્ષિત થઈ ગયા છે. ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે, પહેલા ટેલિગ્રામ મેસેન્જર આઈએસઆઈએસ આતંકવાદીઓ વચ્ચે સંચારની સૌથી પસંદગીની પદ્ધતિ રહી હતી. પરંતુ માહિતી લીક થવાના ડરથી આઈએસઆઈએસના આતંકી હવે ચેટસિક્યોર, સિગ્નલ અને સાઈલેન્ટટેક્સ્ટ જેવા એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આવા એક એપમાં આ લેટર મળ્યો છે.
કેરળમાં ગત કેટલાક સમયથી આઈએસની ગતિવિધિઓમાં વધારો થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ક્હ્યુ છે કે ગત કેટલાક વર્ષોમાં ઓછામાં ઓછા 100 લોકો આતંકી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ થયા છે. તેમાંથી મોટાભાગના ઉત્તર કેરળ વિસ્તારના છે. તેમણે કહ્યુ છે કે લગભગ ત્રણ હજારનું દક્ષિણના રાજ્યના 21 પરમર્શ કેન્દ્રોમાં ડી-રેડિકલાઈઝેશન થયું છે અને હવે તેમનું મોનિટરિંગ થઈ રહ્યું છે.