પંજાબના ફરીદકોટમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ, સેના સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ
નવી દિલ્હી: પંજાબના ફરીદકોટથી આઈએસઆઈ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની જાસૂસની ઓળખ મોગાના વતની સુખવિન્દરસિંહ સિદ્ધૂ તરીકે થઈ છે. જાસૂસ પર સેનાની સાથે સંકળાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જાસૂસની પાસેથી એક કાર, બે પાસપોર્ટ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યુ છે કે આરોપી ફરીદકોટના ન્યૂ કેન્ટ વિસ્તારમાં રહેતો હતો અને તેની પાસેથી ગુપ્ત દસ્તાવેજ પણ જપ્ત થયા છે. જો કે તપાસ અધિકારી જાસૂસ સંદર્ભે સંપૂર્ણ તપાસ કરવામાં લાગેલા છે. જાણકારી પ્રમાણે, જાસૂસ પાકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છે. ઝડપાયેલા આરોપીની ગુપ્તચર એજન્સી દ્વારા પુછપરછ થઈ રહી છે.
મહત્વપૂર્ણ છે કે પંજાબ પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ કારમાં સવાર થઈને ન્યૂ કેન્ટ વિસ્તારમાં ઘણાં કલાકોથી ચક્કર લગાવી રહ્યો છે. તેના પછી પોલીસે શખ્સની ગતિવિધિઓ પર નજર રાખી અને બાદમાં તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ વ્યક્તિ સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આઈએસઆઈના જાસૂસે કબૂલાત કરી છે કે તેના પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ સાથે સારા સંપર્ક છે. આરોપી પહેલા પાકિસ્તાન જઈ ચુક્યો છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરવામં લાગેલી છે.