ભારત-પાકિસ્તાનની બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગની ઘટના વધી, 2019માં જૂન સુધીમાં 1299 વખત ફાયરિંગ
નવી દિલ્હી: સંરક્ષણ રાજ્ય પ્રધાન શ્રીપાદ નાઈકે સોમવારે જણાવ્યુ છે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાઈકે રાજ્યસભાને આ જાણકારી આપતા જણાવ્યુ છે કે 2018માં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની 1629 ઘટનાઓ બની હતી, જ્યારે 2019માં જૂન સુધીમાં આવી 1299 ઘટનાઓ થઈ ચુકી છે.
એક પ્રશ્નના લેખિત જવાબમાં નાઈકે ક્હ્યુ છે કે ભારતીય સેના સંઘર્ષ વિરામના ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપે છે. આ મામલાને યથોચિત માધ્યમથી પાકિસ્તાન સમક્ષ ઉઠાવવામાં આવે છે.
એક અન્ય પ્રશ્નના લેખિત ઉત્તરમાં નાઈકે ક્હ્યુ છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનો દરમિયાન 2016માં સૈનિકો શહીદ થયા હતા. 2017માં આ અભિયાનોમાં શહીદ સૈનિકોની સંખ્યા 31 અને 2018માં 29 સૈનિકો શહીદ થયા હતા. તેમણે એમ પણ જણાવ્યું છે કે સેના આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષા ઉલ્લંઘનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે.