ઇન્ડિગો એરલાઇનની જાહેરાત, સ્વાસ્થ્ય કર્મચારીઓને ટિકિટમાં 25 ટકા મળશે છૂટ
- ઈન્ડિગો એ સ્વાસ્થ્ય કર્મચારીઓને આપી ભેટ
- હવાઈ મુસાફરી પર 25 ટકા છૂટની કરી જાહેરાત
- 50,000 ફ્લાઇટનું સંચાલન કરી ચુકી છે ઇન્ડિગો
દિલ્લી: ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગોએ મંગળવારે ડોક્ટરો અને નર્સો જેવા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ખાસ છૂટની જાહેરાત કરી છે. ઈન્ડિગોએ આ જાહેરાત એવા સમયે કરી જ્યારે દેશ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓ આ લડતમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. ઈન્ડિગોએ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે હવાઈ યાત્રા ટિકિટમાં 25 ટકાની છૂટની જાહેરાત કરી છે.
ઈન્ડિગોએ એક ટ્વિટમાં કહ્યું કે, કેટલાક સુપરહીરો છે જેમણે આપણા હૃદયને હોટ કૂકીઝની જેમ ઓગાળી દીધું છે ! જેઓ આ મુશ્કેલ સમયમાં ખડેપગે છે. આ આપણા ડોકટરો અને નર્સ છે. અમારી પાસે તેમના માટે એક ભેટ છે. અમે તેમને અમારી સાથે ઉડાન ભરવા પર 25 ટકાની છૂટ પ્રદાન કરીએ છીએ.
કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સંક્રમણનું વધુ પ્રમાણ હોય છે. આ જ કારણ છે તેઓ આ વાયરસનો સૌથી પ્રભાવિત વર્ગમાંથી એક છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આંકડા મુજબ, કોરોનો વાયરસ મહામારી દરમિયાન લગભગ 382 ડોકટરોના મોત થયા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ઇન્ડીગોએ લોકડાઉનથી 12 સપ્ટેમ્બર સુધીમાં 50,000 ફ્લાઇટનું સંચાલન કરી ચુક્યા છે, જેમાં અનુસૂચિત વાણીજય સંચાલન, પેસેન્જર ચાર્ટર્સ, કાર્ગો ચાર્ટર્સ, એર બબલ ફ્લાઇટસ અને વંદેભારત કાર્યક્રમ દરમિયાન અન્ય ફ્લાઈટ પણ સામેલ છે.
_Devanshi