આત્મનિર્ભર ભારત, ભારતીય રેલવેએ સૌથી શક્તિશાળી એન્જીનનું કર્યું નિર્માણ
દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે હવે ધીરે-ધીરે રેલ સેવાઓ શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય રેલવેએ મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ સૌથી શક્તિશાળી એન્જીન તૈયાર કરવામાં આવ્યું છે. 12 હજાર હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું આ એન્જીન 150 ડબ્બાવાળી માલગાડીને ખેંચવા સક્ષમ છે. ભારતીય રેલવે દ્વારા આગામી દિવસોમાં આવા 800 એન્જીન બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ એન્જીનની મદદથી આગામી દિવસોમાં ગુડ્સના પરિવહનને વધારે વેગ મળવાની શકયતા છે.
ભારતીય રેલવે દ્વારા સૌથી શક્તિશાળા મનાતા WAG 12 એન્જીનનું નિર્માણ બિહારના મેધપુરામાં કરવામાં આવ્યું છે. અત્યારે તેને હરિયાણાના હિસ્સારમાં લઈ જવાયું છે. જ્યાં પાઈલટ્સને તેની તાલીમ આપવામાં આપવામાં આવી રહી છે. બે ઈલેક્ટ્રીક એન્જીનનું મિશ્રણ કરીને એક એન્જીન બનાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે એક એન્જીન 6 હજાર હોર્સપાવરનું હોય છે. જે 58થી 60 ડબ્બાવાળી ટ્રેનને ખેંચી શકે છે. જ્યારે આ એન્જીન 150 જેટલા ડબ્બાને ખેંચી શકશે. એટલું જ નહીં નવા એન્જીનની ટ્રાયલ પણ સફળ રહી છે. સામાન્ય એન્જીનની ગતિ પ્રતિકલાક 100 કિમીની હોય છે. જ્યારે નવા એન્જીનની ગતિ પ્રતિકલાક 120 કિમીની છે. નવા એન્જીનમાં પાયલટ્સની સુવિધાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
રેલવેના ઉચ્ચ અધિકારીના જણાવ્યાં અનુસાર, આ એન્જીનથી માલગાડી ચલાવવામાં સરળતા રહેશે. તેમજ સમયની પણ બચત થશે. તેમજ દેશના બિઝનેસને પણ વેગ મળશે. નવા એન્જીનમાં માલગાડી ટ્રેનના 150 ડબ્બા ખેંચવાની ક્ષમતા છે.