નવી દિલ્હી : ભગવાન શ્રીરામના ભક્તો માટે રેલવે હવે શ્રીરામાયણ એક્સપ્રેસ ચાલુ કરવા જઈ રહ્યું છે. આ વિશેષ ટ્રેનથી પ્રવાસીઓ ભારતમાં શ્રીરામ સાથે જોડાયેલા સ્થળોના દર્શન કરી શકશે. આ વખતે પહેલી ટ્રેન 3 નવેમ્બરે રાજસ્થાનના જયપુરથી દિલ્હી થઈને અયોધ્યા જશે. બીજી ટ્રેન 18 નવેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દૌરથી રવાના થઈને વારાણસી થઈને અયોધ્યા પહોંચશે. ભારતીય રેલવે અને પર્યટન નિગમ દ્વારા સંચાલિત વિશેષ ટ્રેનમાં આઠસો પ્રવાસીઓ સફર કરી શકશે. આ પ્રવાસમાં સૌથી ખાસ વાત એ રહેશે કે આ આખી તીર્થયાત્રાને શ્રીલંકા સાથે જોડવામાં આવશે. શ્રીલંકામાં સીતામાતા મંદિર, અશોક વાટિકા અને વિભીષણ મંદિરમાં પણ દર્શન કરાવવામાં આવશે.
તીર્થયાત્રીઓ આ સ્થાનોના કરી શકશે દર્શન-
આ ટ્રેન દ્વારા યાત્રીઓ શ્રીરામજન્મભૂમિ અયોધ્યા, ભારત મંદિર નંદીગ્રામ, સીતામાતા મંદિર સીતામઢી, જનકપુર નેપાળ, તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર વારાણસી, સંગમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ પ્રયાગ, શ્રૃંગી ઋષિ શ્રૃંગવેરપુર, રામઘાટ અને સતી અનસુઈયા મંદિર ચિત્રકુટ, પંચવટી નાસિક, અજનાંદ્રી હિલ અને હનુમાન જન્મસ્થાન હમ્પી અને જ્યોતિર્લિંગ મંદિર રામેશ્વરનો સમાવેશ થાય છે. જયપુરથી યાત્રા શરૂ કરનારી શ્રી રામાયણ એક્સપ્રેસમાં અલવર, રેવાડી, દિલ્હી સફદરજંગ, ગાઝિયાબાદ, મુરાદાબાદ, બરેલી અને લખનૌથી તમામ યાત્રીઓ સામેલ થઈ શકશે. આ સિવાય ઈન્દૌરથી ચાલનારી ટ્રેનમાં પ્રવાસીઓ દેવાસ, ઉજ્જૈન, બૈરાગઢ, ઝાંસીથી પણ યાત્રીઓ સામેલ થઈ શકે છે.
જયપુરથી શરૂ થનારી ટ્રેનમાં ભારત-નેપાળમાં યાત્રા કરનારા યાત્રાળુઓને એક વ્યક્તિ દીઠ 16065 રૂપિયા આપવા પડશે. તો ઈન્દૌરથી રવાના થનારી ટ્રેનમાં પ્રવાસ કરનારા યાત્રાળુઓ થર્ડ એસી માટે 17325 અને સ્લીપર ક્લાસમાં 14175 વ્યક્તિ દીઠ ચુકવવા પડશે. આ સિવાય ચેન્નઈથી હવાઈ માર્ગે કોલંબોમાં શ્રીરામ સાથે જોડાયેલા તીર્થસ્થાનો પર લઈ જવામાં આવશે. પાંચ દિવસ અને છ રાત્રિવાળી આ ટૂરના પેકેજમાં દરેક વ્યક્તિ દીઠ 36950 રૂપિયા વધારાને લેવામાં આવશે.
ભગવાન રામના દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માટે રેલવે શાકાહારી ભોજન, નિવાસની સાથે દર્શનીય સ્થાનો માટે બસસેવા પણ પુરી પાડશે.