ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સાત રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 હટાવવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પુલવામા જેવા હુમલો કરે તેવી શક્યતા છે.
ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ખતરો કાશ્મીર ખીણ સિવાય સાત રાજ્યો પર ઝળુંબી રહ્યો છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલા તાજેતરના ઈનપુટ્સ પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આતંકવાદીઓને હુમલો કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ફેબ્રુઆરી-2019માં થયેલા પુલવામા એટેકની જેમ દેશના સાત રાજ્યોમાં આતંકવાદી હુમલા કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોનું કહેવું છે કે દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહીતના ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જણાવવામાં આવે છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આ શહેરોમાં હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે દેશના એરપોર્ટો પર પણ આતંકી હુમલાની શક્યતાને લઈને ઈનપુટ્સ સાંપડયા છે. તેના પછી સરકારે 15 ઓગસ્ટ પર થનારા કાર્યક્રમોને જોતા તમામ મોટા એરપોર્ટોની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત દુરસ્ત કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019ના પારીત કરાવી લીધું છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથેનો અને લડાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.
મોદી સરકારના આ નિર્ણયનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે પાકિસ્તાને તમામ ડિપ્લોમેટિક અને વ્યવસાયિક સંબંધો પર રોક લગાવવાની ઘોષણા કરી હતી. જો કે અમેરિકા પાકિસ્તાનને પહેલા જ આતંકવાદ વિરુદ્ધ આકરા પગલા ઉઠાવવાનો નિર્દેશ આપી ચુક્યું છે.