1. Home
  2. revoinews
  3. સંવિધાન: ઈન્ફર્મેશન ટેકનૉલૉજી એક્ટની કલમ-66(A)
સંવિધાન: ઈન્ફર્મેશન ટેકનૉલૉજી એક્ટની કલમ-66(A)

સંવિધાન: ઈન્ફર્મેશન ટેકનૉલૉજી એક્ટની કલમ-66(A)

0
Social Share

મિતેષ એમ. સોલંકી

પૃષ્ઠભૂમિ

ઈન્ફર્મેશન ટેકનૉલૉજી એક્ટ-2000 તત્કાલિન ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી મંત્રી પ્રમોદ મહાજનની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો હતો જે વર્ષ-2000માં સંસદમાંથી પસાર થયો. આ કાયદાને તે સમયના રાષ્ટ્રપતિ શ્રી કે.આર.નારાયણે 9-મે-2000ના રોજ મંજૂરી આપી હતી.

કાયદાના ભાગ

ઈન્ફર્મેશન એક્ટ-2000 જ્યારે તૈયાર થયો ત્યારે તેમાં કુલ 13 ભાગ, 94 કલમ અને 4 અનુસુચિઓ હતી. આ કાયદો બન્યા પછી ભારતના ઘણા બીજા કાયદા જેવા કે IPC-1860 (કલમ-29-A-ઈલેક્ટ્રોનિક દસ્તાવેજની વ્યાખ્યા ઉમેરવામાં આવી), Evidence Act-1872, Banker’s Book Evidence Act-1891 અને Reserve Bank of India Act-1934ની ઘણી કલમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા.

કલમ-66-A ક્યારે દાખલ કરવામાં આવી?

ઈન્ફર્મેશન એક્ટ-2000માં ઘણા સુધારા કરવામાં આવ્યા પરંતુ વર્ષ-2008માં આ કાયદામાં કલમ-66-A દાખલ કરવામાં આવી. આ ઉપરાંત કલમ-69 પણ દાખલ કરવામાં આવી જે અંતર્ગત યોગ્ય સત્તાધીશો કોમ્પ્યુટર દ્વારા આપ-લે કરવામાં આવતી માહિતીની વચ્ચેથી આંતરીને તેના પર દેખરેખ રાખી શકે છે. – “interception or monitoring or decryption of any information through any computer resource”.

કાયદો કોને લાગુ પડે?

આ કાયદો ભારતની અંદર રહેલ કોમ્પ્યુટર નેટવર્ક તેમજ વિદેશથી આવેલ અન્ય વ્યક્તિને પણ લાગુ પડે છે.

કલમ-66-Aની મહત્વની જોગવાઇઓ જાણીએ.

ઈન્ફોર્મેશન ટેકનૉલૉજીની કલમ-66-A અંતર્ગત નીચેની બાબતોમાં સજાની જોગવાઈ છે.

કોમ્પ્યુટર અથવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધન દ્વારા જો કોઈ એવી બાબત પોસ્ટ કરવામાં આવશે જે….

  • એકંદરે કોઈ માટે અપમાનજનક હોય.
  • કોઈ માહિતી જે ખોટી હોય, કોઈને હેરાન કરે તેવી હોય, અગવડતા ઊભી કરે તેવી હોય, ખતરો થાય તેવી હોય, અવરોધ ઊભો કરે, અપમાન કરે, ઇજા કરે, ગુનાહિત ધાકધમકી લાગે, દુશ્મની ઊભી કરે, દ્વેષ અથવા હીનભાવ ઊભો કરે
  • એવો કોઈપણ ઈલેક્ટ્રોનિક મેઈલ, સંદેશ અથવા કોઈ બાબત જે અન્યને હેરાન કરવાના ઇરાદાથી, અગવડતા ઊભી કરવાની ઇચ્છાથી અથવા જે વ્યક્તિને સંદેશ મળે તે છે તે વ્યક્તિને ગેરમાર્ગે અથવા છેતરવા માટે કરવામાં આવે.

તો ઉપરોક્ત કલમ અંતર્ગત જો કોઈ વ્યક્તિ આ પ્રકારની પોસ્ટ કરે તો તેની ધરપકડ કરી શકાય અને વ્યક્તિને મહત્તમ 3 વર્ષની જેલ તેમજ રોકડ દંડ કરવાની જોગવાઈ હતી.

કલમ-66-A અને કેટલીક ઘટનાઓ

  • 12-એપ્રિલ-2012 : જાદવપુર, યુનિવર્સિટી – કેમિસ્ટ્રી પ્રોફેસર – અંબિકેશ મહાપાત્રાની ધરપકડ કરવામાં આવી.
  • ક્યા કાયદા અંતર્ગત? – 66-A અને B (IT Act, 2000), IPCની કલમ-500-માનહાની અને IPCની કલમ-509-મહિલાને અયોગ્ય રીતે દર્શાવવા બદલ.
  • ધરપકડનું કારણ? – એક કાર્ટૂન બનાવ્યું જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રેલ્વે મંત્રી મુકુલ રોયને દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્ટૂનનો ઈ-મેઈલ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી સુબ્રતો સેનગુપ્તામાંથી કરવાં આવ્યો હતો તેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
  • સપ્ટેમ્બર-2012 : કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી.
  • ક્યા કાયદા અંતર્ગત? – 66-A (IT Act, 2000) અને કલમ-2 (Prevention of Insults to National Honor Act, 1971), કલમ-124 (IPC, 1860).
  • ધરપકડનું કારણ? – તેના કાર્ટૂનમાં ભારતમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારને દર્શાવવામાં આવ્યું હતું.
  • 30-ઓક્ટોબર-2012: પુદ્દુચેરીના વેપારી રવિ શ્રીનિવાસનની ધરપકડ કરવામાં આવી.
  • ક્યા કાયદા અંતર્ગત? – 66-A (IT Act, 2000)
  • ધરપકડનું કારણ? – ભુતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર ભ્રષ્ટાચારનો આરોપ કરતી એક ટ્વિટ કરી હતી.
  • 19-નવેમ્બર-2012 – 21 વર્ષની યુવતીની પાલઘરથી ધરપકડ કરવામાં આવી હતી.
  • ક્યા કાયદા અંતર્ગત? – 66-A (IT Act, 2000)
  • ધરપકડનું કારણ? – શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના અવસાન પછી જે સ્મશાનયાત્રા કાઢવામાં આવી તે માટે મુંબઈ બંધનું  એલાન કરવામાં આવ્યું હતું તેના વિરોધમાં તેણે ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી.
  • 31-જાન્યુઆરી-2013ના રોજ મુંબઈની સ્થાનિક અદાલતે યુવતી સામેના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

પડકારવાના કારણો

ઈન્ફર્મેશન એક્ટ-2000 કાયદાનો વાસ્તવિક હેતુ શું હતો? – વાસ્તવમાં કલમ-66-A લાગુ કરવાનો હેતુ સોશિયલ મિડિયા દ્વારા ફેલાતી ખોટી માહિતીને અટકાવવાનો હતો નહીં કે કોઈપણ વ્યક્તિના અંગત મંતવ્યોને આધારે તેની ધરપકડ કરવાનો.

કલમ-66-Aને કોણે પડકારી?

ફરિયાદી: શ્રેયા સિંઘલ વી. ભારત સંઘ

ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિની દલીલો શું હતી?

ઈન્ફર્મેશન ટેકનૉલૉજીના કાયદામાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે દરેક શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કે અર્થઘટન કાયદામાં આપવામાં આવેલ ન હતા.

કલમ-66-Aમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનું અર્થઘટન ખૂબ વિસ્તૃત હતું જેના લીધે કાયદાનું અર્થઘટન તરંગી/મનસ્વી રીતે પણ કરી શકાય તેવી શક્યતા ખૂબ વધારે હતી અને તે બાબતનો જ લાભ કાયદાકીય સંસ્થાઓ કરતી હતી.

પરિણામે ફરિયાદીના કહેવા મુજબ આ કાયદાના ઉપયોગ દ્વારા બંધારણ દ્વારા આપવામાં આવેલ વાણી અને અભિવ્યક્તિના અધિકાર (આર્ટીકલ-19)ની જે બાહેંધરી આપવામાં આવી છે તે નાગરિક ભોગવી શકતા નથી.

સુપ્રિમ કોર્ટના તારણો:

ઉપરોક્ત દલીલોને ધ્યાને લેતા સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે કલમ-66-A નાગરિકના વાણી અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

કલમ-66-Aનો વિસ્તાર એટલો બહોળો/વિસ્તૃત છે કે કોઈપણ બાબત પર આપવામાં આવેલ કોઈપણ મંતવ્યને આ કલમ અંતર્ગત લાવી શકાય છે અને પરિણામે વ્યક્તિની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને રૂંધી શકાય છે.

તેથી કલમ-66-Aને સુપ્રિમ કોર્ટ ગેરબંધારણીય ઘોષિત કરી.

સમાપન:

સુપ્રિમ કોર્ટના તારણ મુજબ ઉપરોક્ત કલમ બંધારણના આર્ટીકલ-19 દ્વારા આપવામાં આવતી સ્વતંત્રતાનો ભંગ કરે છે અને તેથી સંપૂર્ણ રીતે કલમ-66-A રદ કરવામાં આવે છે. આ રીતે સુપ્રિમ કોર્ટે બંધારણના રક્ષક તેમજ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતો એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો.

વિશેષ નોંધ: આર્ટીકલ-19 અંતર્ગત આપવામાં આવેલ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ નાગરિક વ્યાજબી નિયંત્રણ હેઠળ જ ઉપયોગ કરી શકે છે. જો નોગરિક પોતાના વાણી અને અભિવ્યક્તિના અધિકારનો ઉપયોગ કરીને દેશની એકતા, અખંડિતતા, સમાજની શાંતિ અને સુલેહ અથવા કાયદા અને વ્યવસ્થાને ભંગ કરવાનો પ્રયત્ન કરે તો સરકાર અભિવ્યક્તિના અધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code