કારો અને બાઈકોના વેચાણમાં આવેલી મંદીને કારણે લાખો પરિવારોની આજીવિકા પર સંકટ પેદા થયું છે. રોયટર્સના અહેવાલ પ્રમાણે, એપ્રિલથી અત્યાર સુધી મંદીએ ઓટો સેક્ટરની લગભગ સાડા ત્રણ લાખ લોકોની નોકરીઓ છીનવી લીધી છે. ઘણાં જાણકારો પ્રમાણે આગળ પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.
ભારતીય ઓટોમોબાઈલ સેક્ટર, જેમા વાહન અને તેમના માટે સ્પેરપાર્ટ્સ બનાવનારી કંપનીઓ સામેલ છે. હાલ તેઓ સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. ઘણાં કંપનીઓ બંધ થઈ ગઈ છે, તો ઘણીએ ઓછી માંગને કારણે પોતાની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો કર્યો છે. આ ક્ષેત્રની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ જૂનમાં એટલે કે સતત પાંચમા મહીને પોતાના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે જૂનમાં તેનું ઉત્પાદન 111917 વાહનો રહ્યું, જે ગત વર્ષ આ માસમાં 132616 વાહનોની સરખામણીએ 15.6 ટકા ઓછું છે. ગત મહીને એટલે કે જુલાઈમાં તેનું વેચાણ જુલાઈ-2018ના મુકાબલે 35.1 ટકા ઓછું રહ્યું હતું.
મોદી સરકાર માટે આ સંકટને મોટો પડકાર માનવામાં આવે છે. આ ક્ષેત્રના ઘણાં મોટા નામ કહી રહ્યા છે કે સરકારે ટેક્સમાં છૂટ આપવા જેવા ઘણાં ઉપાય કરવાની જરૂરત છે. જેથી પરિસ્થિતિને સંભાળી શકાય. હાલ ભારતીય ઓટોમોબાઈલ સેક્ટર દેશની જીડીપીમાં લગભગ સાત ટકાનું યોગદાન કરે છે. સાડા ત્રણ કરોડથી વધારે લોકોના રોજગાર સીધા કે આડકતરી રીતે આ સેક્ટર સાથે જોડાયેલા છે.