રમજાન પૂરો થયા પછી આખો દેશ આજે ઈદ ઊજવી રહ્યો છે. ભારત આખામાં લોકો શીર ખુરમા અને મીઠી સેવૈયાં બનાવીને ઈદ-અલ-ફિતુરની ઊજવણી કરી રહ્યાં છે. દેશના તમામ શહેરોમાં લોકો ઈદની નમાજ અદા કરી રહ્યા છે અને સુખશાંતિની દુઆ માંગી રહ્યા છે. ત્યારે રાજનેતાઓ પણ ઇદની ઉજવણી કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને ઇદની મુબારકબાદ આપી છે. રાષ્ટ્રપતિએ કોવિંદે લખ્યું છે કે, દરેક દેશવાસીઓને અને ખાસ કરીને દેશ-વિદેશના આપણા મુસ્લિમ ભાઈઓ-બહેનોને ઈદ મુબારક!
આ સાથે દેશભરમાં લોકો ઇદની ખુશીઓ મનાવી રહ્યા છે. ગુજરાતના વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણે તૈફ નગર મસ્જિદમાં નમાજ અદા કરી અને પછી મસ્જિદની બહાર લોકોને ઈદની મુબારકબાદ આપી.
દિલ્હીમાં યુનિયન મિનિસ્ટર મુખ્તાર અબ્બાસ નકવીએ પંજા શરીફ, કાશ્મીરી ગેટમાં ઈદની નમાજ અદા કરી.
હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર લોકોએ ઈદની ઉજવણી કરી. જ્યારે પશ્ચિમ બંગાળના સિલિગુડી પાસે આવેલી ઇન્ડો-બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ બાંગ્લાદેશી બોર્ડર ગાર્ડ્સ સાથે મિઠાઈ વહેંચીને ઇદની ઉજવણી કરી.
યુપીમાં સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને રામપુરમાં શહાબાદ ગેટના ઇદગાહમાં નમાજ અદા કરી.
અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ પાકિસ્તાન સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે મિઠાઈ વહેંચીને ઇદની ઉજવણી કરી.
પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હામિદ અન્સારી, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને બીજેપીના શાહનવાઝ હુસૈને પાર્લામેન્ટ સ્ટ્રીટ પર આવેલી મસ્જિદમાં ઇદની નમાજ અદા કરી.
ભારતમાં પાકિસ્તાન ફોરેન સેક્રેટરી સોહેલ મહેમૂદ અને પાકિસ્તાનના એક્ટિંગ હાઇ કમિશ્નર સૈયદ હૈદર શાહે જામા મસ્જિદમાં નમાજ અદા કરી.