વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં મોટી ઘોષણા કરી છે. તેમણે ભૂમિસેના, નૌસેના અને વાયુસેના એમ ત્રણેય સૈન્ય પાંખના સેનાપતિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસના પદનું સર્જન કરવાની ઘોષણા કરી છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે આપણા દેશમાં સૈન્ય વ્યવસ્થા, સૈન્ય શક્તિ અને સૈન્ય સંસાધનોમાં સુધારા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણાં કમિશનોના રિપોર્ટ આવ્યા. તમામ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આપણી ત્રણેય સેનાઓ જળ, થલ અને નભની વચ્ચે સમન્વય તો છે, પરંતુ આજે જેમ દુનિયા બદલાઈ રહી છે, તેવામાં ભારતે ટુકડામાં વિચારવાથી નહીં ચાલે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આપણી સંપૂર્ણ સૈન્ય શક્તિને એકજૂટ થઈને એકસાથે આગળ વધવાનું કામ કરવું પડશે. હવે આપણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસની વ્યવસ્થા કરીશું. આ પદની રચના બાદ ત્રણેય સેનાના ટોચના સ્તર પર એક પ્રભાવી નેતૃત્વ મળશે.