ભારતીય ચિત્ર સાધના આયોજીત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કાર્યાલયનું ઉદ્ઘાટન, 2020માં યોજાશે ત્રીજો ફેસ્ટિવલ
18 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય ચિત્ર સાધના આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કાર્યાલય ઉદઘાટન સમારોહ યોજાયો.
શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ આ વખતે અમદાવાદ ખાતે આગામી 21, 22, 23 ફેબ્રુઆરી – 2020 રોજ યોજાશે. આ પ્રસંગે સમગ્ર ભારતમાંથી તમામ ભાષાઓમાં બનેલી શોર્ટ ફિલ્મને પ્લેટફોર્મ આપવામાં આવશે. 30 નવેમ્બર એન્ટ્રીની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો, રચનાત્મક કાર્યો, સામાજિક સમરસતા, લોક કલા, સ્વચ્છતા, પાણી , મહિલા રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીયતા, દેશ નિર્માણમાં શિક્ષણની ભૂમિકા સહિત 11 મુદ્દાઓ પર બનેલી શોર્ટ ફિલ્મનો ફેસ્ટિવલમાં સમાવેશ કરવામાં આવશે.
18 ઓગસ્ટે યોજાયેલ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કલાજગત સાથે સંકળાયેલા ખ્યાતનામ કલાકારો, લેખક, દિગ્દર્શક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મલ્હાર ઠાકર, આરતીબહેન વ્યાસ, રામ મોરી, સંદીપ પટેલ, મિતાઈ શુકલ, નેહલ બક્ષી, મૌલિક નાયક,આરોહી પટેલ, વિજય ગીરી બાવા, વૈશલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો ની ટીમના સભ્યો અભિષેક શાહ, આયુષ શર્મા, મિત જાની તથા પ્રતીક ગુપ્તાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
કાર્યક્રમની શરૂઆત મલ્હાર ઠાકર, આરતીબહેન વ્યાસ, સુનિલ શાહ, અજિત શાહ દ્વારા દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વક્તવ્ય આપતા આરતીબહેન વ્યાસે કહ્યું હતું કે મોબાઈલ કેમેરાથી રેકોર્ડીંગ કરતા લોકોએ ભયસ્થાન જાણવાની જરૂર છે. મોબાઈલથી ફિલ્મો ઉતારવી સરળ નથી. ફિલ્મ મેકિંગમાં ખૂબ મહેનત લાગે છે. કાર્યક્રમમાં બોલતા મલ્હાર ઠાકર અને આરોહી પટેલે ફેસ્ટિવલને આવકાર આપ્યો હતો. તેમજ આ પ્રકાર ના કાર્યક્રમથી કલાકારોને પ્રોત્સાહન મળે છે તેમ જણાવ્યું હતુ. શોર્ટ ફિલ્મ અને ફિલ્મ જગતની જવાબદારી વિશેના સારા નરસા પાસાઓ વિશે લેખક રામ મોરીએ પણ પોતાનો પ્રતિભાવ આપતા સિનેમા જગતને બીજો દીકરો ગણાવ્યો હતો. જ્યારે સાહિત્યને પ્રથમ દીકરો હોવાનું કહ્યું હતું.
ઉદઘાટન સમારોહ દરમ્યાન શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ને લઈને સમિતિની પણ જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કલાકારો , દિગ્દર્શકોનું પુષ્પગુચ્ થી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોની ટીમનું બહુમાન કરવામાં આવ્યું હતું.