ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે બોર્ડની ધો-10 અને 12ની પૂરક પરીક્ષા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે બોર્ડની ધો-10 તથા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તા. 25મી ઓગસ્ટથી બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે.
ગુજરાતમાં કોરોના મહામારી પગલે માર્ચ 2020માં લેવાયેલી ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા થોડા મોડા જાહેર થયાં હતા. બોર્ડની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી 25થી 27 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ચાલશે. બોર્ડની પૂરક પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓની વૈકલ્પિક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યું છે. જો કે પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી તે ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.