ફ્રાંસથી આવી રહ્યો છે પાકિસ્તાનનો ઈલાજ, સપ્ટેમ્બરમાં રફાલ યુદ્ધવિમાનની પહેલી ખેપ ભારત આવશે
નવી દિલ્હી : અમેરિકાના એફ-16 યુદ્ધવિમાનના દમ પર કૂદકા મારી રહેલા પાકિસ્તાન માટે ખરાબ સમાચાર છે. આગામી મહીને એટલેકે સપ્ટેમ્બર માસમાં ફ્રાંસના રફાલ ફાઈટર જેટની પહેલી ખેપ ભારતીય વાયુસેનાને મળવાની છે. ચાર રફાલ યુદ્ધવિમાનો ભારત આવવાના છે. દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત આ યુદ્ધવિમાનો મિસાઈલોથી સુસજ્જ થશે, તેની રેન્જ 300 કિલોમીટરની હશે. રફાલ યુદ્ધવિમાન પ્રાપ્ત કર્યા બાદ આગામી વર્ષ પહેલા યુદ્ધવિમાનના વ્યાપક પરીક્ષણ શરૂ કરવામાં આવશે. અધિકારીઓ અને ટેક્નિશ્યિનોની પહેલી ખેપનું પ્રશિક્ષણ ફ્રાંસની વાયુસેના સાથે પહેલેથી જ ચાલી રહ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે આના પહેલા કહ્યુ હતુ કે રફાલ યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાના રણનીતિક અને લાંબા અંતર પરના લક્ષ્યને સાધવાની ક્ષમતા પ્રદાન કરશે. ભારતે બે એન્જિનવાળા 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવા માટે ફ્રાંસની સાથે એક સમજૂતી કરી હતી. આ યુદ્ધવિમાનો ન્યૂક્લિયર વોરહેડ્સનું વહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ભારતીય વાયુસેનાએ રફાલને પાકિસ્તાન અને ચીનના મોરચા પર તેનાત કરવાનો નિર્ણય કર્યો છે.
ગત વર્ષ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ રફાલ અને રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ પ્રણાલીને ભારતની સુરક્ષા પ્રણાલી માટે ગેમચેન્જર ગણાવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાએ મિરાજ-2000નો ઉપયોગ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કરવા માટે કર્યો હતો. હવે ઉન્નત રફાલના આવી જવાથી ભારતીય વાયુસેનાની મારક ક્ષમતા વધી જશે. બાલાકોટ પર હુમલા દરમિયાન ભારતીય વાયુસેનાના અધિકારીઓએ કહ્યુ હતુ કે જો ભારતની પાસે રફાલ હોત, તો પાકિસ્તાન માટે પરિણામ વધુ ભયાનક હોવાની શક્યતા હતી.
છઠ્ઠા ગરુડ યુદ્ધાભ્યાસ બાદ ભારતીય પાયલટોએ રફાલને અદભૂત અને ઘણું આરામદાયક ગણાવ્યું હતું. પાયલટોનું કહેવું હતું કે આનો ઈન્ટરફેસ ઘણો સારો છે, જે ઉડાણને સુગમ બનાવે છે. ગરુડ યુદ્ધાભ્યાસ દરમિયાન શુક્રવારે ભારતીય વાયુસેનાના નાયબ અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ ખુદ રફાલ યુદ્ધવિમાનથી ઉડ્ડયન કર્યું હતું.
ફ્રાંસમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યુ હતુ કે આ યુદ્ધાભ્યાસ બંને દેશોની રણનીતિક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. એર માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાનું કહેવું હતું કે યુદ્ધાભ્યાસ દરમિયાન આપણા પાયલટોએ લગભગ 400 કલાકનું ઉડ્ડયન કર્યું હતું. તેમાથી 100 કલાક ભારતીય વિમાનમાં તો 300 કલાક ફ્રાંસના વિમાનમાં ઉડ્ડયન કર્યું હતું.