20 વર્ષના આ સ્ટૂડન્ટને કારણે મુશ્કેલીમાં ફસાઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી
- યુક્રેનના મુદ્દે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો
- ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદો દ્વારા મહાભિયોગની પ્રક્રિયા શરૂ
- યુક્રેનના વિશેષ પ્રતિનિધિ કર્ટ વોલ્કરના અચાનક રાજીનામાથી સામે આવ્યો મામલો
ન્યૂયોર્ક : યુક્રેનના મુદ્દાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસી મુશ્કેલીમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. વિપક્ષી ડેમોક્રેટ સાંસદોએ તેમની વિરુદ્ધ આ મામલામાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હકીકતમાં આ આખો મામલો યુક્રેનના વિશેષ પ્રતિનિધિ કર્ટ વોલ્કરના અચાનક રાજીનામા આપવાથી સામે આવ્યો છે.
આ ન્યૂઝ વોશિંગ્ટન અથવા ન્યૂયોર્કમાં એક હાઈપ્રોફાઈલ ન્યૂઝ રૂમમાંથી નથી આવ્યા, પરંતુ 20 વર્ષના એક ઈન્ટર્ન પત્રકાર એન્ડ્રયૂ હૉવર્ડે આ ન્યૂઝને બ્રેક કરીને સૌને ચોંકાવી દીધા. એન્ડ્ર્યૂ હોવર્ડ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ધ સ્ટેટ પ્રેસ નામના સ્ટૂડન્ટ જર્નલનો તંત્રી છે તેણે શુક્રવારે મોડી રાત્રે યુક્રેન સાથે સંકળાયેલા ન્યૂઝને બ્રેક કર્યા હતા. અહેવાલ હતા કે કોંગ્રેસે કર્ટ વોલ્કરને ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની તપાસ સંદર્ભે સવાલોનો જવાબ આપવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ કર્ટ વોલ્કરે રાજ્ય વિભાગમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
એન્ડ્ર્યૂ હોવર્ડે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને શનિવારે જણાવ્યુ કે મે આ સ્ટોરી પોતાની કોઈપણ અન્ય સ્ટોરીની સરખામણીએ અલગ રીતે કરી નથી. તેણે કહ્યુ કે દરેક જિંદગીમાં એક મહાઅવસરની તલાશમાં રહે ચે. જો કે મને નથી લાગતું કે હું આના માટે ત્યાં ગયો હતો. હોવર્ડે કહ્યુ છે કે તે એક મોટા ન્યૂઝ માટે એક સ્થાનિક એન્ગલની શોધમાં હતો અને વોલ્કર યુનિવર્સિટી દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાના નિદેશક હતા. યુનિવર્સિટીના એક મોટા અધિકારીએ હોવર્ડને વોલ્કર સંદર્ભે જણાવ્યુ કે આ રાજદ્વારીએ પોતાના સરકારી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
હૉવર્ડે કહ્યુ છે કે મને લાગતું નતી કે અમે ક્યારેય આટલા મોટા ન્યૂઝ કરવાની આશા કરી હતી, જેવું કે અમે કર્યા છે. ન્યૂઝ બ્રેક કરતી વખતે હોવર્ડ પોતાની અન્ય નોકરી પર હતો. તે ધ એરિઝોના રિપબ્લિક અખબારમાં ઈન્ટર્ન હતો. ઈન્ટર્નશિપ દરમિયાનજ તેને આ મોટા ન્યૂઝ બ્રેક કર્યા હતા. આ બ્રેકિંગ પર ડઝનબંધ જાણીતા અમેરિકન મીડિયા સંસ્થાનોએ સ્ટોરી કરી હતી. એક વ્હિસલબ્લોઅરે ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વલોડિમિર જેલેંસ્કી પર દબાણ કર્યું હતુ કે તેઓ ભૂતપૂર્વ અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન પર ખોટા અને ગંદા આરોપ લગાવે.
બાઈડેન 2020ની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પની સામે મજબૂત ડેમોક્રેટ પ્રતિનિધિ તરીકે ઉભર્યા છે. વોલ્કર પર કથિત આરોપ છે કે તેમણે યુક્રેનના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી છે, જેથી ટ્રમ્પના ઈરાદાઓને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ જેલેંસ્કી દ્વારા અંજામ આપવામાં આવે. ડેમોક્રેટિક્સની આગેવાનીવાળી પ્રતિનિધિ સભાની સમિતિઓએ સવાલોના જવાબ આપવા માટે વોલ્કરને આગામી ગુરુવારે રજૂ થવાનો આદેશ કર્યો છે.