- 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે હિન્દી દિવસ
- 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારાઈ
- મંત્રાલયો, વિભાગો, રાષ્ટ્રીયકૃત બેંકોને રાજભાષા એવોર્ડથી કરાઈ છે સન્માનિત
દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવનાગરી લિપિમાં હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલી શરણ ગુપ્ત અને શેઠ ગોવિંદ દાસ તેમજ વ્યૌહાર રાજેન્દ્ર સિન્હાના પ્રયત્નોને કારણે ભારતીય પ્રજાસત્તાકની બે સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે હિન્દીને અપનાવવામાં આવી હતી.
14 સપ્ટેમ્બર 1949ના રોજ વ્યૌહાર રાજેન્દ્ર સિન્હાના 50માં જન્મદિવસ પર હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી અને ત્યારબાદ પ્રચાર- પ્રસારને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોમાં વેગ આવ્યો. ભારતના બંધારણ દ્વારા 26 જાન્યુઆરી 1950 ના રોજ આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના આર્ટિકલ 343 હેઠળ દેવનાગરી લિપિમાં લખવામાં આવી હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.
ભારતમાં કુલ 22 સુનિશ્ચિત ભાષાઓ છે, જેમાંથી બે હિન્દી અને અંગ્રેજીનો સત્તાવાર રીતે સંઘ સ્તરે ઉપયોગ થાય છે. દેશભરમાં હિન્દી આશરે 32.2 કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે જ્યારે આશરે 27 કરોડ લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. આ દિવસે મંત્રાલયો, વિભાગો, સાર્વજનિક ઉપક્રમો અને રાષ્ટ્રીયકૃત બેંકોને રાજભાષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં પણ ફક્ત અંગ્રેજી અને હિન્દીમાં બેંક ચલણ પ્રદાન કરવામાં આવે છે.
ગૃહ મંત્રાલયે 25 માર્ચ 2015નાં તેના ઓર્ડરમાં હિન્દી દિવસ પર વાર્ષિક ધોરણે આપવામાં આવતા બે પુરુસ્કારોના નામ બદલી નાખ્યા હતા. 1986માં સ્થાપિત ઇન્દિરા ગાંધી રાજભાષા પુરુસ્કાર બદલીને રાજભાષા કીર્તિ પુરુસ્કાર અને રાજીવ ગાંધી રાષ્ટ્રીય જ્ઞાન વિજ્ઞાન મોલિક લેખન પુરસ્કારને બદલીને રાજભાષા ગૌરવ પુરસ્કાર કરવામાં આવ્યા હતા.
_Devanshi