જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં ગુરૂવારે સાંજે સુરક્ષાદળોએ અલકાયદાના કથિત આતંકી ઝાકીર મૂસાને ઠાર માર્યો છે. તેના શબને પણ જપ્ત કરી લેવામાં આવ્યું. સ્થળ પરથી એક એકે-47 રાઇફલ અને એક રોકેટ લોન્ચર પણ જપ્ત કર્યું છે. મૂસા બુરહાન વાનીના મોત પછી હિજબુલનો કમાન્ડર બન્યો હતો. ત્યારબાદ તેણે કાશ્મીરમાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન અન્સાર ગજવત-ઉલ-હિંદ શરૂ કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ગુપ્ત જાણકારી મળ્યા પછી ત્રાલના દદસારા ગામમાં એક ઘરની ઘેરાબંધી કરવામાં આવી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો. આતંકીઓએ ગ્રેનેડથી પણ હુમલો કર્યો, જોકે જવાબી કાર્યવાહીમાં મૂસા ઠાર મરાયો.
વિસ્તારમાં કેટલાક અન્ય આતંકીઓ છુપાયા હોવાની જાણકારી પછી સેનાની કેટલીક વધુ ટુકડીઓ મોકલવામાં આવી છે. હાલ અફવાઓ રોકવા માટે પુલવામા અને તેની પાસે આવેલા અવંતીપોરામાં ઇન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું છે.