અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ શાહીબાગ અને મીઠાખળી સહિતના અંડરપાસમાં પાણી ભરાતાં બંધ કરવામાં આવ્યાં હતા. જ્યારે શહેરના ઓઢવ, ગોમતીપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા લોકોએ રાત્રે ઉજાગરો કર્યો હતો. તેમજ પાણી ઉલેચીને બહાર કાઢ્યું હતું.
અમદાવાદમાં સિઝનનો પહેલી વખત ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 3 કલાકમાં જ અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મીઠાખળી અંડરપાસમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ ઉપરાંત શહેરના દાણીલીમડા,પાલડીની હોસ્પિટલ, માણેકબાગ, હાટકેશ્વર, સૈજપુર સહિતના 50થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમદાવાદ શહેરના ઓઢવમાં સૌથી વધારે 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આવી જ રીતે વિરાટનગરમાં 5, મેમ્કોમાં 5, નરોડામાં 4.5, મણિનગરમાં 4, પાલડીમાં 3, દાણાપીઠમાં 3, દુધેશ્વરમાં 3, કોતરપુરમાં 3, વટવામાં 3, ઉસ્માનપુરામાં 2 અને ચાંદખેડા તથા રાણીપમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરના ઓઢવ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.
અમદાવાદ મનપાના પ્રિ-મોનસુન પ્લાનિંગના દાવાઓ વચ્ચે આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસર્યાં ન હતા. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળ છાયું રહ્યું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. જેથી વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યાં હતા.