જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, આધારથી થશે રજિસ્ટ્રેશન-એન્યુઅલ રિટર્નની સમયમર્યાદામાં વધારો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી જીએસટી પરિષદની પહેલી બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
જીએસટી કાઉન્સિલની 35મી બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યુ છે કે જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધાર દ્વારા જીએસટી રજિસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના સિવાય જીએસટી એન્ટિ-પ્રોફિટીયરિંગ ઓથોરિટીનો કાર્યકાળ પણ બે વર્ષ માટે વધારવામાં આવ્યો છે.
મહેસૂલ સચિવ એ. બી. પાંડેયે કહ્યુ છે કે જીએસટી કાઉન્સિલે જીએસટી હેઠળ એન્યુઅલ રિટર્ન ફાઈળ કરવાની સમયમર્યાદાને બે માસ વધારીને 30 ઓગસ્ટ , 2019ની કરી છે. નવા જીએસટી રિટર્ન ફાઈલિંગની સિસ્ટમ 1 જાન્યુઆરી-2020થી લાગુ થશે. જીએસટી કાઉન્સિલે ઈલેક્ટ્રોનિક ઈનવાઈસિંગ સિસ્ટમ અને મલ્ટિપ્લેક્સમાં ઈ-ટિકિટિંગને પણ મંજૂરી આપી દીધી છે.
જીએસટી કાઉન્સિલે ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટી દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને ઈલેક્ટ્રિક ચાર્જર પર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાના પ્રસ્તાવને ફિટમેન્ટ સમિતિને મોકલી આપ્યો છે.