દેશમાં ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરાશે, 20 કરોડ પરિવારને અપાશે LED બલ્બ
દિલ્હીઃ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી અને વડનગર સહિત પાંચ તાલુકામાં ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં એક પરિવારને રૂ. 10-10ના ભાવે ત્રણેક એલઈડી બલ્બ આપવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ 15થી 20 કરોડ ગ્રામીણ પરિવારોની વચ્ચે 60 કરોડ એલઈડી બલ્બ આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉર્જા દક્ષતાને ગામોમાં લઈ જવા અને વિજળીના બિલમાં ઘટાડા દ્રારા ત્યાંના લોકોની બચત વધારવાના હેતુથી ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી જાન્યુઆરી મહિનામાં આ યોજના શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશના વારાણસી, ગુજરાતના વડનગર, બિહારના આરા, મહારાષ્ટ્ર્રના નાગપુર અને આંધ્ર પ્રદેશના વિજયવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના લાગુ કરાશે. તેમજ એપ્રિલ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. ગ્રામીણ ઉજાલા યોજના લાગુ થવાથી લગભગ 9321 કરોડ યુનિટ વાર્ષિક બચત થશે. તેમજ 7.65 કરોડ ટન વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ યોજનાથી ઉર્જા બચત તરીકે લગભગ રૂ. 50 હજારની વાર્ષિક બચતનો અંદાજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજ મંત્રાલય અંતર્ગત આવતા ઉપક્રમ એનટીપીસી, પીએફસી, આરઈસી અને પાવરગ્રિડના સંયુકત ઉપક્રમ દ્રારા અત્યાર સુધીમાં ઉજાલા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં 36.50 કરોડથી વધુ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 20 ટકા બલ્બ જ ગ્રામ્ય વિસ્તારોમાં વિતરિત થઈ શકયા હતા.