1. Home
  2. revoinews
  3. કેળવણી-03: આપો કણમાં અને પામો મણમાં, સુખી થવાના આ દિવ્ય રહસ્યને જાણો
કેળવણી-03: આપો કણમાં અને પામો મણમાં, સુખી થવાના આ દિવ્ય રહસ્યને જાણો

કેળવણી-03: આપો કણમાં અને પામો મણમાં, સુખી થવાના આ દિવ્ય રહસ્યને જાણો

0
– ડૉ. અતુલ ઉનાગર
એક રૂપિયો ખર્ચો અને એક લાખ રૂપિયાની કિંમતનું પામો. એકવાર આપો અને વારંવાર અનેક ગણું પરત મેળવો. થોડુંક આપીએ અને મબલખ પામીએ. શું ખરેખર આ સાચું હોઈ શકે ખરું? શું આપનારા પાસેથી જે અપાયું છે તે ઓછું થવાને બદલે તેનાથી અનેકગણું ઉમેરાય છે? આપવું એટલે લણવું અર્થાત્ એક રૂપિયો ગુમાવીને એક લાખ રૂપિયા ભેગા કરવા. આ સિદ્ધાંત પહેલી દ્રષ્ટિએ માનવામાં ન આવે તેવો અઘરો અને અટપટો જણાય છે. પણ આજ સાચો પ્રકૃતિનો ન્યાય છે.
          આ પ્રકૃતિના નિયમ પ્રમાણે તો આપણે જ્યારે જ્યારે આપીએ છીએ ત્યારે ત્યારે અનેકગણું પરત મેળવીએ છીએ. આતો ખરેખર ફાયદાની વાત છે. પ્રકૃતિના નિયમ મુજબ જે આપતો નથી તે પામતો પણ નથી એટલે કે તેને કશું મળતું પણ નથી.
         આ પ્રકૃતિ/સૃષ્ટિ (જડ અને ચેતન જગત)નો સિદ્ધાંત છે એટલે તે નિયમ ત્યાં જ લાગુ પડે છે અન્યત્ર નહીં. ટૂંકમાં આપ જ્યારે પ્રકૃતિને આપો છો ત્યારે આ પ્રકૃતિ તેણે બનાવેલા નિયમ મુજબ અનુસરીને અનેકવિધ ગણું પરત આપી દે છે. આનો મતલબ એવો થાય છે કે આ ચરાચર જગતના સંચાલક જે કામ સંભાળી રહ્યા છે તે પ્રકૃતિને સહયોગી બનવાની દિશામાં જે પણ કંઈ કરીએ છીએ તે લેખે લાગે છે.
        આ પ્રકૃતિ જડ અને ચેતન એમ બે ભાગોમાં વિભક્ત છે. આ પ્રકૃતિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ સૃષ્ટિ નિયંતા છે. આ જગતમાં બે પ્રકારના લોકો હોય છે, એક તો આ પ્રકૃતિનું દોહન કરી કરીને સ્વાર્થી બનીને જીવનારા, જ્યારે બીજા પ્રકારના લોકો પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધનમાં સહયોગી બનનારા. બીજા પ્રકારના લોકોને આપણે આપનાર એવું કહેવાને બદલે વાવનાર કે રોકાણકાર એવું કહીશું તો ચાલશે. સમર્પણ એ એક પ્રકારની ખેતી છે આપ ખેડી શકો તેટલું ખેતર આપનું. આ ખેતરમાં આપ શું અને કેટલું લણવા માંગો છો તે આપે નક્કી કરવાનું છે.
       સામાજિક કાર્યોમાં ખર્ચેલું બધું જ મબલખ થઈને પરત આવશે. પ્રકૃતિના આ નિયમમાં શ્રદ્ધા અને ધૈર્ય રાખીને વાવતાં રહો. એક વાર વાવેલું એક નાનકડું બીજ વિશાળ વૃક્ષ બનીને જીવનભર ફળો આપ્યાં જ રાખે છે. આ સિદ્ધાંત પ્રમાણે આપે સેવા કાર્યોમાં આપેલું કર્મ ક્યારેય ફોગટ જતું જ નથી. જેને આ વાત બરાબર સમજાઈ તે આ પ્રકૃતિની “આપીને લણો” સ્કિમનો લાભ જતો કરશે જ નહીં.
       આશુતોષે તેમના માતાપિતાની છત્રછાયા શિશુ અવસ્થામાં જ ગુમાવી દીધી હતી. આ ભરવાડ કુટુંબ પર ક્ષમતાથી વધારે દેણું થઈ ગયેલું. ઘેટાં બકરાં બાંધવાનો વાડો વેચવાં કાંઠેલો પણ નગરથી દૂર અવાવરૂં જગ્યા હોવાથી નજીવી કિંમતે લોકો માંગતા. આશુતોષના દાદાએ આખરે બધાંજ ઘેટાં બકરાં વેંચીને તમામ દેણું ચૂકતે કરીને નગરમાં ચ્હાની કીટલી ચલાવતા. આશુતોષ પણ ચ્હા બનાવવાના ધંધામાં નિપુણ બની ગયેલો.
            લગભગ તેરેક વર્ષનો આશુતોષ થયો એટલે દાદા પણ વૈકુંઠને પામ્યા. દાદાના અવસાન પછી તેની ઉત્તરક્રિયા કરવા માટે આશુતોષ પાસે નાણાં નહોતાં. પોતાની કીટલીની દરરોજ ચ્હા પીનારાઓમાંથી એક પ્રબુદ્ધ વેપારીએ દાદાની ઉત્તરક્રિયાના બદલામાં એક વૃક્ષ ઉછેરવાની સલાહ આપી. આશુતોષે વિચાર કરીને ગામમાં એક પણ વડનું વૃક્ષ ના હોવાથી વડને પોતાના વાડામાં વાવ્યું. ચ્હાની કીટલી ચલાવતાં ચલાવતાં લગભગ દસેક વર્ષની યોગ્ય માવજત પછી આ વૃક્ષ ઘનઘોર અવસ્થાને પામ્યું. નગરના દરેક પિતૃકાર્યો આશુતોષના વાડામાં જ થવાનાં શરૂ થયાં. નગરની સ્ત્રીઓનાં વડસાવિત્રી વ્રતોની પૂજાવિધિ પણ ત્યાંજ થવાં લાગી. દિવંગત લોકોની લૌકિક ક્રિયાઓ ત્યાંજ થતી.  અમુક લોકો તો વડની પરિક્રમા કરવાં દરરોજ આવતા. આશુતોષે દશ વર્ષમાં કમાયેલી મૂડીથી એક શિવજીનું નાનકડું મંદિર પણ બાંધ્યું. આ પછી તેના વાડાનું નામ “વડેશ્વરધામ” પડી ગયેલું.
        નગરજનો માટે આ ધાર્મિક કાર્યોનું ‘પૂણ્યધામ’ બની રહ્યું. મંદિરમાં દર્શનાર્થીઓ તન, મન અને ધનથી સમર્પણ કરતા. પવિત્ર શ્રાવણ માસમાં નગરજનોની ખૂબજ મોટી ભીડ ઊમટતી. જોતજોતામાં આ મંદિર આવકનું માધ્યમ બની ગયું. તેની આવકમાંથી મંદિરનું કદ મોટુંને મોટું થવા લાગ્યું. મંદિરની આવકમાંથી સેવકોને માનધન પણ ચૂકવાતું શરૂ થયું. આ વડેશ્વરધામમાં શિવકથા, રામકથા અને ભાગવતકથાઓ વારંવાર થવાં લાગી, જેની આવકમાંથી એક અતિથિ ગૃહનું નિર્માણ થયું. વડેશ્વરધામની ખ્યાતિ પૂરા પંથકમાં ધીરે ધીરે પ્રસિદ્ધને પામવાં લાગી. ક્રમશઃ ‘વડેશ્વરધામમાં મંદિર,’ ‘અતિથિ ગૃહ,’ ‘ગૌશાળા,’ ‘પાઠશાળા,’ ‘પુસ્તકાલય,’ ‘વૃદ્ધાશ્રમ,’ ‘અનાથાશ્રમ,’ ‘વિધવા સહાય કેન્દ્ર,’ ‘લધુઉદ્યોગ પ્રશિક્ષણ કેન્દ્ર,’ ને’ચરોપથી ઉપચાર કેન્દ્ર,’ ‘સાધના કેન્દ્ર,’ ‘સંસ્કાર કેન્દ્ર,’ ‘જીવન તાલીમ કેન્દ્ર’ વગેરે આયામો શરૂ થતાં ગયાં.
          આશુતોષે એક નાનકડું બીજ વાવેલું. પ્રકૃતિએ વાવેલા બીજમાંથી ઘનઘોર વૃક્ષના માધ્યમથી આશુતોષને અનેક ગણું અને લાંબો સમય ચાલે તેવું મબલખ પ્રમાણમાં પરત કર્યું. આના કારણે આશુતોષનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થયો. જે પૈસાથી ક્યારેય ના ખરીદી શકાય તેવી ઉચ્ચકક્ષાની આશુતોષને પ્રતિષ્ઠા મળી. રાષ્ટ્રીય અને અન્તરરાષ્ટ્રીય અનેક સમ્માનો અને પુરસ્કારો પ્રાપ્ત થયા. વાવેલા એક નાનકડા બીજને કારણે આશુતોષ પોતાની જીવનયાત્રા દરમિયાન અગણિત લોકોનો સહાયક બની શક્યો.
      જે વધારે આપે છે તે વધારે પામે છે. જે વ્યક્તિઓ દેશ-દુનિયા માટે ખપી ગયાં તેઓ કેટલું પામ્યાં તેનો આપણે અંદાજ પણ લગાવી શકીએ નહીં. આપનાર મહાપુરુષોની આવનારી પેઢીઓની પેઢીઓ જે મેળવે છે તેની પણ કલ્પના કરવી મુશ્કેલ છે. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાણી લક્ષ્મીબાઈ, વીર સાવરકર, નરસિંહ મહેતા, ડૉ. અબ્દુલ કલામ, મદનમોહન માલવિયા, ડૉ. કેશવ બલીરામ હેડગેવાર, દયાનંદ સરસ્વતી, હેમચંદ્રાચાર્ય, ઝવેરચંદ મેઘાણી, તુલસીદાસ, કબીર, વિવેકાનંદ વગેરે મહાનુભાવોને પ્રકૃતિની સ્કિમનો લાભ મળેલો. આ દરેક મહાપુરુષોને પ્રકૃતિ વફાદાર રહી અને તેના નિયમ મુજબ અનેકગણું પરત કર્યાના પુરાવા છે. આ હકીકત જાણ્યા પછી આપ તુરંત શ્રેષ્ઠતમ આપવાનું શરૂ કરો.
           ઉપર્યુક્ત પુરાવા એવું સૂચવે છે કે આપવામાં થોડી પણ કચાશ ના રાખશો, જીવનને ઈશ્વરીય કાર્યોમાં સમર્પિત કરી દો. સંસ્કૃત મહાકવિ ભાસે ‘પંચરાત્રમ્’ રૂપકમાં કહ્યું છે આપેલું ક્યારેય ફોગટ જતું જ નથી. આપવામાં ખચકાશો નહીં. જોખી જોખીને આપનારો ખરેખર આપનારો નથી બનતો. “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” આવું સમર્પણ ના કરશો. આપવું જ હોય તો ફૂલની પાંખડી નહીં, પૂરેપૂરો બાગ જ આપી દો. યથા શક્તિ નહીં, પૂર્ણ શક્તિનું યોગદાન આપો. આપણો ઈતિહાસ સાક્ષી છે મહારાજા બલીએ એક બાળકને આકાશ, પાતાળ, પૃથ્વી અને પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી.  એકલવ્યે એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના અંગૂઠો કાપીને આપી દીધો હતો. કુંતીપુત્ર કર્ણએ શરીરનું જન્મથી જ રક્ષણ કરતાં કવચ અને કુંડળ રણભૂમિમાં દાનમાં આપી દીધા હતાં. આથી આજે પણ આ દિવ્ય પુરુષો પ્રાતઃ સ્મરણીય છે અને યુગો યુગો સુધી રહેશે.
          આ દુનિયામાં ઈશ્વરે દરેકને કશુંક ને કશુંક તો આપવા માટે આપ્યું જ છે. નાનામાં નાનો માણસ પણ ધારે તો તે આપનાર બની શકે છે. જેમ કે ‘હંમેશા હસતું રહેવું,’ ‘દુઃખી લોકોને સાંભળવા,’ ‘લોકોના હંમેશા ગુણો જ શોધવા,’ ‘સાચું આચરણ જીવીને બતાવવું,’ ‘વિવેકી બની રહેવું,’ ‘નાના-મોટા સૌ કોઈનું સમ્માન જાળવવું,’ ‘સિદ્ધાંતો, મુલ્યો અને ગુણો જીવવાં અને લોકોને જીવતાં શીખવવા,’ ‘સકારાત્મક અભિગમથી વર્તવું,’ ‘પોતાનો અને સંપર્કમાં રહેલાનો વિકાસ કરવો.’ ‘પ્રકૃતિનું રક્ષણ કે સંવર્ધન કરવું,’ ‘દર વર્ષે એક વૃક્ષ ઉછેરવું,’ ‘ઊર્જાનો સદુપયોગ કરવો,’ ‘આત્મનિર્ભર બનવું અને બનાવવા,’ ‘સ્વદેશી વસ્તુના આગ્રહી બનવું,’ ‘સ્વચ્છતાના આગ્રહી બનવું’ આવી અઢળ બાબતો છે જે દરેક માટે સંભવ છે.
          ભગવાને આપણને સૌને શરીર, બુદ્ધિ અને હ્રદય આપ્યાં છે. આપે આપના શરીરની ક્યારેય કિંમત આંકી છે ખરી? શરીરના નાના-મોટા દરેક અવયવોની અંદાજીત કિંમતનો એકાદવાર સરવાળો કરો, તો ખ્યાલ આવશે કે અબજો રૂપિયાની કિંમતનું આ અમૂલ્ય શરીર છે. આપણા ઘરમાં રહેલી નાનામાં નાની વસ્તુઓનો આપણે બરાબરનો ઉપયોગ કરીએ છીએ, તો પછી અબજો રૂપિયાના આ શરીર નામના સાધનનો યોગ્ય ઉપયોગ થાય છે ખરા? શું આજ પ્રમાણે બુદ્ધિ અને હ્રદયનો પણ સર્વોત્તમ ઉપયોગ થાય છે ખરાં? એ હંમેશા યાદ રાખજો જેનો ઉપયોગ થતો નથી તે ના હોવા બરાબર છે. આજથી સંકલ્પ કરીએ કે આપણે આપણું શ્રેષ્ઠ આપતાં રહીશું. જીવનમાં આપવાનો એકપણ અવસર ક્યારેય ગુમાવીશું નહીં. ચાલો શરૂઆત આજથી જ કરીએ….

LEAVE YOUR COMMENT

Your email address will not be published.