1. Home
  2. revoinews
  3. ફ્રાંસ ભારતની ઓઝલ રહેલી મજબૂત દોસ્તી, ડિફેન્સ ડીલથી યુએન મંચ સુધી ભરોસાપાત્ર સાથીદાર
ફ્રાંસ ભારતની ઓઝલ રહેલી મજબૂત દોસ્તી, ડિફેન્સ ડીલથી યુએન મંચ સુધી ભરોસાપાત્ર સાથીદાર

ફ્રાંસ ભારતની ઓઝલ રહેલી મજબૂત દોસ્તી, ડિફેન્સ ડીલથી યુએન મંચ સુધી ભરોસાપાત્ર સાથીદાર

0
Social Share

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી બનાવાયા બાદ પાકિસ્તાન સતત આ મુદ્દા પર ભારતને ઘેરવાની કોશિશમાં છે. પરંતુ તેને કોઈ નક્કર કામિયાબી મળતી દેખાઈ રહી નથી. અમેરિકા અને ફ્રાંસ સહીત ઘણાં મોટા દેશોએ પાકિસ્તાનની કોશિશોને મોટો આંચકો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસની મુલાકાતે છે અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોંએ આ મુદ્દા પર ભારતનું પુરજોર સમર્થન કર્યું છે.

પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુરુવારે થયેલી દ્વિપક્ષીય વાતચીતમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ સ્પષ્ટપણે કહ્યુ કે કાશ્મીર મામલામાં કોઈ ત્રીજા દેશે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. આ ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મામલો છે. અમેરિકાએ જ્યાં ઘણીવાર કાશ્મીર મામલે મધ્યસ્થતાની વાત કહી છે. પરંતુ ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ છે કે ન તો કોઈ આમા હસ્તક્ષેપ કરે અને ન તો હિંસા ભડકાવવાનું કામ કરે. ફ્રાંસે કાશ્મીર મામલા પર અત્યાર સુધી ખુલીને ભારતનું સમર્થન કર્યું છે.

એક નજર કરીએ કે આખરે ક્યાં કારણથી ફ્રાંસ ભારતનું પાક્કું સમર્થક બની ગયું છે. ફ્રાંસના આ સમર્થનની પાછળ પોતાના વ્યાપારીક હિતો પણ છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પણ બકરી ઈદના દિવસે સ્વીકાર્યું હતું કે ઘણા દેશોના ભારત સાથે વ્યાપારીક હિત છે અને માટે તેઓ કાશ્મીર મામલા પર ચુપ છે.

10 મોટા કારણો-

  1. ફ્રાંસનો ભારત સાથે સૌથી મોટો વ્યાપારીક સોદો રફાલ ડીલ છે. ભારતમાં આ સોદો બેહદ વિવાદીત રહ્યો છે અને ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આને મુદ્દો બનાવ્યો હતો. જો કે તેને આનો કોઈ ફાયદો થયો નથી. પરંતુ આ વસ્તુ ફ્રાંસ માટે બેહદ મહત્વની છે. મોદીરાજમાં 2016માં ભારત અને ફ્રાંસની વચ્ચે લગભગ 7.87 અબજ યુરો એટલે કે લગભગ 625 અબજ રૂપિયામાં 36 રફાલ યુદ્ઘવિમાનોની ખરીદીની ડીલ પર સમજૂતી થઈ હતી. જો કે આની રકમનો ઔપચારીકપણે ક્યારેય ખુલાસો થયો નથી. ભારતને પહેલુ રફાલ યુદ્ધવિમાન આગામી માસની 20મી તારીખે મળવાની આશા છે.
  2. ફ્રાંસ એ કોશિશમાં લાગેલું છે કે પહેલા નિર્ધારીત 36 રફાલ યુદ્ધવિમાન સિવાય ભારત તેની પાસેથી વધુ 36 રફાલ ફાઈટર જેટની ખરીદી કરે. કયાસ લગાવાય રહ્યા છે કે નવા સોદા માટે ફ્રાંસ રફાલની કિંમતોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તેના સિવાય ફ્રાંસની નજર સંરક્ષણ સંબંધિત અન્ય ઘણાં સોદા પર છે, કારણ કે ભારત પોતાની સેનાને અત્યાધુનિક બનાવવાની કવાયતમાં લાગેલું છે. ભારત પહેલા પણ ફ્રાંસ પાસેથી ઘણાં મોટા કરારો કરી ચુક્યું છે. જેમાં 1982માં 36 મિરાજ-2000 યુદ્ધવિમાનોનો સોદો પણ સામેલ છે.
  3. બંને દેશો વચ્ચે વ્યાપારીક સંબંધો પર નજર કરીએ, તો ગત 15 વર્ષોમાં વ્યાપાર ઝડપથી વધ્યો છે. આજે ભારતમાં 550 ફ્રેન્ચ કંપનીઓ છે, જેમાં લગભગ ત્રણ લાખ લોકો કામ કરે છે. 2016ના આખર સુધીમાં ફ્રાંસે ભારતમાં 5.75 અબજ યુરોનું રોકાણ કર્યું હતું.
  4. સામાનોના નિકાસના મામલામાં પણ ફ્રાંસ સતત પ્રગતિ કરી રહ્યું છે. ગત 10 વર્ષોમાં ફ્રાંસે 2017માં સામાનોની નિકાસના મામલામાં ઉચ્ચત્તમ સ્તરને સ્પર્શ કર્યો હતો. બંને દેશો વચ્ચે વ્યાપાર મામલામાં સૌથી વધારે એવિએશન ક્ષેત્રમાં વેપાર થયો છે. ફ્રાંસની ઘણી કંપનીઓ ભારતમાં સ્માર્ટ સિટી યોજનામાં સામેલ છે અને લગભગ 20 શહેરોમાં મેટ્રો અને પાણી વગેરેના ક્ષેત્રોમાં મદદ કરી રહી છે.
  5. ભારતીય વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે ફ્રાંસ પસંદગીનો દેશ રહ્યો છે. 2019માં 10 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ફ્રાંસ ગયા છે. ફ્રાંસની કોશિશ છે કે આ સંખ્યા આગળ પણ જાળવી રાખવામાં આવે.
  6. ફ્રાંસ ભારતીય પર્યટકોને પોતાને ત્યાં નિમંત્રિત કરવા માટે વીઝા નીતિમાં ફેરફાર કરી રહ્યું છે. તેની કોશિશ છે કે મોટી સંખ્યામાં ભારતીય પર્યટકો ફ્રાંસની દિશા પકડે. 2018માં આઠ લાખ ભારતીય પર્યટકો ફ્રાંસ ફરવા માટે ગયા અને તેની એ વાત પર કોશિશ છે કે પર્યટકોની સંખ્યામાં સતત વધારો થાય. પર્યટકોની સંખ્યા વધવાથી ફ્રાંસને આવક થશે.
  7. બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ સારી ભાગીદારી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહયોગ માટે ઈન્ડો-ફ્રેન્ચ કમિશનની રચના કરવામાં આવી છે. આ કમિશન બંને દેશોના રિસર્ચર્સ અને વૈજ્ઞાનિકોને એકબીજાના દેશમાં રિસર્ચનો મોકો આપે છે. ઈન્ડો ફ્રેન્ચ સેન્ટર ફોર ધ પ્રમોશન ઓફ એડવાન્સ્ડ રિસર્ચે 2018માં પોતાની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ કર્યા હતા. ભારતમાં બે ફ્રેન્ચ ઈન્સ્ટીટ્યૂટ છે, જે દિલ્હી અને પુડ્ડુચેરીમાં છે. ખાનગી ક્ષેત્રમાં 10થી 20 હજાર ફ્રેન્ચ રિસર્ચર્સ કામ કરી રહ્યા છે.
  8. ભારતમાં પોતાના વ્યાપારીક હિત સાધવા માટે ફ્રાંસે ચાર માસ ચાલનારા કાર્યક્રમ બોનજોર ઈન્ડિયા શરૂ કર્યું હતું. ભારતમાં 2017-18માં આ ત્રીજું સંસ્કરણ કરવામાં આવ્યું. નવેમ્બર-2017થી ફેબ્રુઆરી-2018ની વચ્ચે ભારતના 20 રાજ્યોના 30 શહેરોમાં 100 પ્રોગ્રામ અને પ્રોજેક્ટ્સ લગાવવામાં આવ્યા હતા.
  9. ભારતની જેમ ફ્રાંસ પણ આતંકવાદથી પ્રભાવિત રહ્યું છે. ફ્રાંસે ગત કેટલાક વર્ષોમાં ઘણાં મોટા આતંકવાદી હુમલાનો સામનો કર્યો છે. બંને દેશ આતંકવાદથી ત્રસ્ત છે અને તેને સમૂળ નષ્ટ કરવા માટે બંને દેશો પ્રયાસરત છે. તેના માટે બંને દેશ એકબીજાને ગુપ્ત જાણકારીઓનું આદાન-પ્રદાન કરે છે.
  10. અંતરીક્ષના મામલામાં પણ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. એપ્રિલ- 2015માં ફ્રાંસની સીએનઈએસ અને ઈસરો વચ્ચે અંતરીક્ષ ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ફ્રાંસ ઈસરોને મંગળ અને શુક્રના ભાવિ કાર્યક્રમોમાં સહયોગ કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code