નવી દિલ્હી : અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ ભાજપના નવા અધ્યક્ષને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને તેના પર સોમવારે ત્યારે વિરામ લાગ્યો હતો કે જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય સંદર્ભે જણાવતા સંરક્ષણ પ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે કહ્યુ હતુ કે નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ હશે. તે સમયગાળા દરમિયાન અમિત શાહ ભાજપના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં અમિત શાહના સામેલ થયા બાદ જે. પી. નડ્ડાને પાર્ટીની કમાન સોંપવામાં આવી છે. માનવામાં આવે છે કે અમિત શાહ આગામી છ માસ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. અમિત શાહ સાથે મળીને જ જે. પી. નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાલશે. ગૃહ મંત્રાલય જેવા મહત્વના વિભાગનો પદભાર ગ્રહણ કર્યા બાદ અમિત શાહની પાર્ટી પર વધુ ધ્યાન આપવાની સંભાવના ઓછી જ છે. તેવામાં નડ્ડા જ પાર્ટીના મુખ્ય કર્તાધર્તા રહેશે. જો કે અમિત શાહ પણ અધ્યક્ષ પર કાબિજ છે અને તેઓ દરેક નિર્ણય પર નજર પણ રાખશે.
હિમાચલ પ્રદેશ જેવા રાજકીય દ્રષ્ટિઓ ઓછા મહત્વના રાજ્યમાંથી આવતા જયપ્રકાશ નડ્ડા માટે કાર્યકારી અધ્યક્ષ પદનું કામ કરવું બેહદ પડકારજનક હશે. જો તેઓ આગામી છ માસ માટે પણ પાર્ટીના પ્રમુખ તરીકે કામગીરી કરે છે, તો પણ તેમના માટે ઓછા પડકાર નહીં હોય.
અમિત શાહનું વિશાળ રાજકીય કદ
અમિત શાહે પોતાના કાર્યકાળમાં ભાજપને જે મુકામ પર પહોંચાડયું છે, તેને જાળવી રાખવું આગામી અધ્યક્ષ માટે પડકારજનક રહેશે. જે. પી. નડ્ડા હાલ કાર્યકારી અધ્યક્ષ બાવવામાં આવ્યા છે, પરંતુ તેમની સામે પાર્ટીને ટોચ પર જાળવી રાખવાની સાથે ખુદને એક સશક્ત અને દમદાર અધ્યક્ષ તરીકે રજૂ કરવા પડશે. તમામની નજર એના પર રહેશે કે તેઓ આ મકસદમાં કેટલા કામિયાબ થઈ શકે છે.
4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી
અધ્યક્ષ અમિત શાહના કાર્યકાળમાં ભાજપે જેવી રીતે બમ્પર સફળતા મેળવી તેને જાળવી રાખવી નડ્ડા માટે પડકારજનક છે. તેમના કાર્યકારી અધ્યક્ષ તરીકેના લગભગ છથી સાત માસના આગામી સમયગાળામાં ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તેમાં દિલ્હીનેબાદ કરતા ત્રણ રાજ્યોમાં ભાજપ ખુદ સત્તામાં છે અને તેને સત્તાવિરોધી માહોલ વચ્ચે ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવાના પડકારને પાર કરવાનો છે. આ ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડનો સમાવેશ થયા છે. હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તો મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં વિધાનસભાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જ્યારે ઝારખંડમાં પાંચમી જાન્યુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. નડ્ડાની સામે આ ત્રણ રાજ્યોમાં ભાજપની સત્તા પર પકડ મજબૂત રીતે જાળવી રાખવી એક પડકાર હશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. હાલ ત્યાં રાષ્ટ્રપતિશાસન છે અને આગામી કેટલાક મહીનાઓમાં ત્યાં ચૂંટણી થવાની છે અને પાર્ટીને મોટી જીત અપાવવાની તેમની જવાબદારી છે.
દિલ્હીમાં કેજરીવાલ સામે ટક્કર
દિલ્હી વિધાનસભા ચૂંટણી પણ આગામી વર્ષની શરૂઆતમાં થવાની છે. વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરી-2020ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટી સત્તામાં છે અને તેને ગત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ હતી અને તે બીજી વખત સત્તામાં આવી હતી. ભાજપની કોશિશ ગત વખતથી સત્તામાં પાછા ફરવાની હતી. પરંતુ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ ભાજપના સપનાને તોડી નાખ્યું હતું. જો ક ગત મહીને સમાપ્ત થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના પ્રદર્શનથી ખાસું ઉત્સાહિત છે અને દિલ્હીમાં સાતમાંથી સાત લોકસભા બેઠકો પર જીત બાદ હવે વિધાનસભામાં પણ આવી જ મોટી જીત માટેની કોશિશો કરશે.
જો કે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. પરંતુ કેટલાક માસ બાદ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી તો ભાજપને 70માંથી માત્ર ત્રણ બેઠકો મળી હતી. બાકીની 67 બેઠકો પર આમ આદમી પાર્ટીને જીત મળી હતી. આ વખતે પણ સાતેય બેઠકો જીતીને ભાજપ પુરા જોશમાં છે. પરંતુ નવા કાર્યકારી અધ્યક્ષ સામે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે કે 2015ની વિધાનસભા ચૂંટણી જેવી સ્થિતિ 2020માં બને નહીં. એ પણ નક્કી છે કે વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલને પડકારવા આસાન નહીં હોય અને તેના માટે કવાયત અત્યારથી શરૂ કરી દેવી પડશે.
શિવસેનાને સાથે રાખવાનો પડકાર
લોકસભા ચૂંટણી પહેલા બળવાખોર તેવર દેખાડનારી શિવસેનાએ ભાજપ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને તેનો આ નિર્ણય અન્ય વિપક્ષી દળોના પરિણામને જોયા બાદ યોગ્ય છે. પરંતુ તેવામાં શિવસેનાના વજૂદ પર જોખમ ઝળુંબવા લાગ્યું છે. નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદની શપથ લે તેના થોડાક દિવસોમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ટાકરેનું અયોધ્યા જવું દર્શાવે છે કે શિવસેના પોતાના અસ્તિત્વ માટે જદ્દોજેહદ ચાલુ રાખશે. જો કે એ પણ યોગ્ય છે કે ભાજપ આ વખતે પણ પોતાના દમ પર સત્તામાં છે, પરંતુ નડ્ડાની સામે એનડીએને પણ જાળવી રાખવું એક પડકાર હશે, કારણ કે ભાજપ બાદ શિવસેના એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી છે.
બિહારમાં જેડીયુની દોસ્તી ટકાવવી
મહારાષ્ટ્રની જેમ બિહારમાં જનતાદળ યૂનાઈટેડ સાથે સત્તા પર કાબિજ ભાજપની સામે ગઠબંધનને જાળવી રાખવાનો પડકાર છે. બિહારમાં એનડીએને લોકસભા ચૂંટણીમાં જોરદાર જીત મળી છે. હવે ઘણાં મોરચા પર નીતિશ કુમારની સરકારને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુના નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી અને મહાગઠબંધને ભાજપને કારમી હાર આપી હતી. પરંતુ બાદમાં નીતિશ કુમારે લાલુપ્રસાદ યાદવની આરજેડી સાથે નાતો તોડી નાખ્યો અને ભાજપ સાથે ફરીથી નવી સરકાર બનાવી હતી. રાજ્મયાં આગામી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને અહીં પણ નડ્ડાની સામે એનડીએના ઘટકદળોને જાળવવાનો મોટો પડકાર રહેશે.
દક્ષિણ ભારત માટે નવી રણનીતિ
ભાજપને આશા હતી કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કર્ણાટક સિવાય દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાંથી તેના ખાતામાં કેટલીક બેઠકો આવશે. પરંતુ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં ભાજપની સ્થિતિ વધુ ખરાબ રહી છે. આંધ્ર અને કેરળ સહીત તમિલનાડુમાં ભાજપને જીત માટે એડીચોટીનું જોર લગાવવા છતાં પણ એકપણ બેઠક મળી નથી. ભાજપને આ રોજ્યોમાં જીત માટે નવી રણનીતિ બનાવવી પડશે.
બેફામ નિવેદનબાજ નેતાઓ પર લગામ લગાવવાની જવાબદારી
અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ કાર્યકારી અધ્યક્ષ બનેલા જે. પી. નડ્ડાની પાસે એક મોટો પડકાર એ પણ રહેશે કે તેઓ પોતાના ઘણાં બેફામ નિવેદનબાજ નેતાઓને કેવી રીતે લગામ લગાવી શકશે. ગિરિરાજસિંહ, સાધ્વી પ્રજ્ઞા અને સાક્ષી મહારાજ જેવા નેતા મોટાભાગે પોતાના નિવેદનોને લઈને ભાજપને સંકટમાં નાખતા રહ્યા છે. તાજેતરમાં ઈફ્તારને લઈને ગિરિરાજ સિંહની ટીપ્પણી બાદ અમિત શાહે તેમને ઠપકો લગાવ્યો અને નિયંત્રણ રાખવાની પણ સલાહ આપી હતી.