વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જ ગઢ વારાણસીમાં ઘેરવા માટે મહાગઠબંધને એક માસ્ટરસ્ટ્રોક ચાલ રમી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ વારાણસીમાં પોતાની ઉમેદવાર શાલિની યાદવને હટાવીને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવને મેદાનમાં ઉતાર્યો છે. તેજ બહાદુર યાદવ પહેલા વડાપ્રધાન વિરુદ્ધ અપક્ષ તરીક ચૂંટણી લડી રહ્યો હતો.
પરંતુ, સોમવારે તેજ બહાદુર યાદવે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું. તેઓ ગઠબંધનના ઉમેદવાર હશે. આમ આદમી પાર્ટીએ પણ તેજ બહાદુર યાદવનું સમર્થન કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને તેજ બહાદુર યાદવને સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે PMને પડકારવા માટે તેજ બહાદુરને સલામ.
તમને જણાવી દઇએ કે 2017માં બીએસએફ જવાન તજ બહાદુર યાદવે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જવાનોને મળનારા ભોજનની ક્વૉલિટીને લઇને ફરિયાદ કરી હતી. ત્યારથી જ તેઓ ચર્ચામાં આવ્યા હતા. જોકે તે વિવાદ પછી તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારથી જ તેઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.
ગત દિવસોમાં જ તેજ બહાદુર યાદવે એલાન કર્યું હતું કે તે ભ્રષ્ટાતારના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ત્યારે કહ્યું હતું કે મેં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો પરંતુ મને બરતરફ કરી દેવામાં આવ્યો. મારો પહેલો ઉદ્દેશ સુરક્ષાદળોને મજબૂત કરવા અને ભ્રષ્ટાચાર ખતમ કરવાનો રહેશે.
સ્પષ્ટ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દે આ લોકસભા ચૂંટણીમાં આગળ વધી રહી છે, ત્યારે મહાગઠબંધને હવે તેમની સામે એક પૂર્વ સૈનિકને જ મેદાનમાં ઉતારીને લડાઈને રસપ્રદ બનાવી દીધી છે. જોકે, કોંગ્રેસ તેજ બહાદુરનું સમર્થન કરશે તેની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીમાં સપા-બસપા તરફથી બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ, કોંગ્રેસ તરફથી અજય રાય, પૂર્વ જસ્ટિસ એસ. કર્ણન, તમિલનાડુના ઘણા ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે.