જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા લેવામાંઆવેલા નિર્ણયો બાદ ભારત અને ચીન વચ્ચે સોમવારે બીજિંગમાં દિવસભરની લાંબી વાતચીત ચાલી રહી છે. બીજિંગે સાફ કર્યું છે કે તે ક્ષેત્રમાં તણાવ અને તેની જટિલતાઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.
જ્યારે નવી દિલ્હી તરફથી એ પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે બંને દેશોના નેતૃત્વની વચ્ચે એ વાતની સંમતિ બની છે કે દ્વિપક્ષીય મતભેદને વિવાદ બનવા દેવામાં આવશે નહીં.
ભારત તરફથી પક્ષ રજૂ કરી રહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે પ્રધાનમંડળીય સ્તરની વાટાઘાટો શરૂ કરતા પહેલા કહ્યુ કે જેવું કે તમે જાણો છો, વૈશ્વિક રાજનીતિમાં ભારત-ચીનના સંબંધ ઘણાં મહત્વપૂર્ણ રહ્યા છે. બે વર્ષ પહેલા અમારા નેતા (મોદી અને જિનપિંગ)એ આ વાસ્તવિકતાઓને માની અને અસ્થાનામાં એ સંમતિ બની કે વૈશ્વિક અનિશ્ચિતતાઓના તબક્કામાં ભારત-ચીન સંબંધ સ્થિર રહે અને એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે જો આપણી વચ્ચે કોઈ મતભેદ છે, તો તેને વિવાદ બનવા દેવો જોઈએ નહીં.
પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે 2017માં અસ્થાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંમેલનથી અલગ મુલાકાત કરી હતી.
રવિવારે અહીં પહોંચેલા જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગ ક્વિશાન સાથે ઝોંગ્નનહાઈ ખાતે તેમના આવાસીય પરિસરમાં મુલાકાત કરી હતી. બાદમાં તેમણે વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક કરી અને બાદમાં ડેલિગેશન સ્તરની બેઠક યોજાઈ હતી.
રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના ભરોસાપાત્ર ગણાતા વાંગ યી સાથે મુલાકાત દરમિયાન પોતાની પ્રારંભિક ટીપ્પણીમાં જયશંકરે કહ્યુ હતુ કે અમે બે વર્ષ પહેલા અસ્થાનામાં એક સામાન્ય સંમતિ પર પહોંચ્યા હતા કે આવા સમયમાં જ્યારે દુનિયામાં પહેલા કરતા વધારે અનિશ્ચિતતા છે, આપણા સંબંધ સ્થિરતાના પરિચાયક હોવા જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે થયેલા શિખર બેઠકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતુ કે હું, આ વુહાન શિખર સંમેલન બાદ અહીં આવીને આઝે ઘણો ખુશ છું, જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર આપણા નેતાઓની વચ્ચે સામાન્ય સંમતિ વધુ વ્યાપક થઈ હતી. જયશંકરે કહ્યુ હતુ કે ચીનમાં ફરીથી આવવું ઘણી ખુશીની વાત છે અને હું મારા જૂના વર્ષોને ખૂબ ઉત્સાહ સાથે યાદ કરું છું. હું ઘણો ખુશ છું કે મારા કાર્યકાળની શરૂઆતમાં જ મને અહીં આવવા અને આપણા બંને નેતાઓ વચ્ચે અનૌપચારીક શિખર સંમેલનની તૈયારી કરવાનો અવસર મળ્યો, જેને આપણે ઝડપથી જોવાની આશા કરીએ છીએ.
જયશંકરનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગે કહ્યુ છે કે મને એ પણ ખબર છે કે તમે ચીનમાં સૌથી લાંબો સમય સુધી રહેનારા ભારતીય રાજદૂત છો અને તમે આપણા બંને દેશોના સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારશે.
બાદમાં જયશંકર અને વિદેશ પ્રધાન વાંગ યીએ સાંસ્કૃતિક અને બંને દેશોના લોકોના પારસ્પરીક સંપર્ક પર ઉચ્ચસ્તરીય તંત્રની બીજી બેઠકની સહઅધ્યક્ષતા કરી. પહેલી બેઠક ગત વર્ષ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. માનવામાં આવે છે કે જયશંકરની યાત્રા દરમિયાન ચાર એમઓયૂ પર પણ હસ્તાક્ષર કરાશે.
વિદેશ પ્રધાન એસ. જયશંકર ચીનના નેતૃત્વ સાથે વાટાઘાટો માટે ત્રિદિવસીય મુલાકાતે રવિવારે બીજિંગ પહોંચ્યા છે. તેમની યાત્રા દરમિયાન આ વર્ષે રાષ્ટ્રપ્રમુખ શીની ભાતીય મુલાકાતની તૈયારીઓને આખરી ઓફ આપવા સહીતના ઘણાં મુદ્દાઓ પર વાતચીત કરાશે. મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત બાદ જયશંકર ચીનની મુલાકાતે જનારા પહેલા ભારતીય પ્રધાન છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરતા તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધું છે.
જો કે તેમની ચીનની મુલાકાત અનુચ્છેદ-370ને અસરહીન કરવાના ઘણાં સમય પહેલા નક્કી થઈ ચુકી હતી. રાજદ્વારીમાંથી વિદેશ પ્રધાન બનેલા જયશંકર 2009થી 2013 સુધી ચીનમાં ભારતના રાજદૂત હતા. કોઈ ભારતીય રાજદૂતનો આ સૌથી લાંબો કાર્યકાળ હતો.
2017માં ડોકલામમાં 73 દિવસો સુધી બંને દેશોની સેનાઓની વચ્ચે રહેલી ગતિરોધની સ્થિતિ બાદ મોદી અને જિનપિંગે ગત વર્ષ વુહાનમાં પહેલી અનૌપચારીક વાટાઘાટ કરીને દ્વિપક્ષીય સંબંધોને ગતિ આપી હતી. અધિકારીઓને આ વર્ષે પહેલીવાર દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલરને પાર થવાની આશા છે.
ચીની અધિકારી પોતાના સમકક્ષો સાથે વિશેષરૂપે કૃષિ ઉત્પાદો સિવાય ફાર્માસ્યૂટિકલ્સ અને આઈટીમાં ભારતના નિકાસને પ્રોત્સાહિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. ભારત પણ મોદીના મેક ઈન ઈન્ડિયા અભિયાનમાં મોટા પ્રમાણમાં ચીનના રોકાણનું આકાંક્ષી છે. જયશંકરનો પ્રવાસ એવા સમયે થયો છે કે જેના થોડાક દિવસો પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ભારત દ્વારા કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાના મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવવાને લઈને ચીનનું સમર્થન માંગવા માટે 9મી ઓગસ્ટે બીજિંગની યાત્રા કરી હતી. ભારતે સતત કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર તેનું અભિન્ન અંગ છે અને આ દેશનો એકદમ આંતરીક મામલો છે.