HBOની અતિ લોકપ્રિય થયેલી સીરીઝ ગેમ ઑફ થ્રોન્સની ફિનાલે સીઝન સોમવારે સવારે શરૂ થઈ ગઈ છે. આ સીઝનમાં ફક્ત 6 એપિસોડ્સ છે. જોકે એપિસોડ્સના ટાઇમિંગ્સ લાંબા રાખવામાં આવ્યા છે. પહેલો એપિસોડ 54 મિનિટનો હતો. ભારતીય સમય પ્રમાણે પહેલો એપિસોડ 15 એપ્રિલના રોજ સવારે 6.30 વાગે એચબીઓ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. આ એપિસોડ હોટસ્ટાર પર પણ જોઈ શકાશે. તેનો બીજો એપિસોડ 22 એપ્રિલના રોજ રીલીઝ કરવામાં આવશે અને 19 મેના રોજ તેનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે.
જાણો શું છે આ છેલ્લી સીઝનમાં?
એપિસોડની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં સાતમી સીઝન ખતમ થઈ હતી. આ વખતે શૉનું ફોકસ તમામ મહત્વના કેરેક્ટર્સને એક કરવા પર છે. જોન સ્નો, તેની બહેન સાન્સા સ્ટાર્ક અને ભાઈ બ્રાનને એક કરી દેવામાં આવશે. એટલે કે આખી સીઝન ફેમિલિ રિયુનિયન અને મોટા યુદ્ધની તૈયારીઓ પર આધારિત છે.
ફિનાલે સીઝનની શરૂઆતમાં ડિનરિયસ ટાર્ગેરિયન અને જોન સ્નો પોતાની સેનાઓ- ગુલામ સેના અને ડોથરાકી સેના સાથે વિન્ટરફેલ પહોંચી ગયા છે. ડિનેરિયસના બે ડ્રેગન પણ તેની સાથે જ વિન્ટરફેલ પહોંચ્યા છે. વિન્ટરફેલના લોકો ડિનેરિયસને શંકાની નજરે જોવે છે અને જોન સ્નો તેને સમર્થન કરે છે તે તેમને ખાસ પસંદ નથી આવતું. સાન્સાએ ડિનેરિયસનું સ્વાગત કરતા કહ્યું કે, ‘માય ગ્રેસ, હવે વિન્ટરફેલ તમારું છે.’ રસપ્રદ વાત એ છે કે આ એ જ શબ્દો છે જે તેના પિતા નેડ સ્ટાર્કે રોબર્ટ બરાથિયનને કહ્યા હતા, જ્યારે પહેલી સીઝનના પહેલા એપિસોડમાં તેઓ વિન્ટરફેલ આવ્યા હતા.
પહેલા જ એપિસોડમાં જોનને ખબર પડી જશે કે તે નાજાયસ નથી પરંતુ રૈગર ટાર્ગેરિયન અને લિયાના સ્ટાર્કનો દીકરો છે અને થ્રોનનો એકમાત્ર સાચો વારસ છે. સેમવેલ ટાર્લી જોનને જણાવી દેશે કે તેનું સાચું નામ એગોન ટાર્ગેરિયન છે. આ છેલ્લી સીઝન ગેમ ઑફ થ્રોન્સના ડાયહાર્ડ ફેન્સ માટે ખૂબ રસપ્રદ રહેશે.