- ધોરાજીથી ગુડ્સ ટ્રેન થઈ રવાના
- આગામી દિવસોમાં વધુ જથ્થાની કરાશે નિકાસ
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે અને ગુજરાતની ડુંગળી અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. ત્યારે હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ પડોશી દેશ બાંગ્લાદેશના લોકો પણ માણશે. ધોરાજીથી 2440 ટન જેટલી ડુંગળી ભરેલી ગુડ્સ ટ્રેન બાંગ્લાદેશ જવા રવાના થઈ છે. ઓગસ્ટ મહિનામાં તબક્કાવાર 3થી 4 ગુડ્સ ટ્રેન મારફતે બાંગ્લાદેશ ડુંગળીની નિકાસ કરવામાં આવશે. બાંગ્લાદેશમાં ધોરાજી અને તેના આસપાસના ગામની ડુંગળીની નિકાસ થતા તેનો સીધો લાભ ખેડૂતોને મળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેના તમામ 6 ડિવિઝનમાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના આ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા ધોરાજી, ઉપલેટા, ગોંડલ સહિત આસપાસના વેપારીઓ અને એપીએમસી સાથે ચર્ચા ચાલી રહી છે. આ વિસ્તારમાંથી ડુંગળી મોકલવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન ધોરાજી રેલવે સ્ટેશનથી 42 વેગનમાં 2440 ટન ડુંગળીના જથ્થા સાથે પહેલી વખત બાંગ્લાદેશ જવા ગુડ્સ ટ્રેન રવાના થઈ છે. આગામી દિવસોમાં આ ટ્રેન બાંગ્લાદેશના દર્શન સ્ટેશન ઉપર પહોંચશે. આ પહેલી ટ્રેનમાં મોકલવામાં આવેલી ડુંગળીને કારણે રેલવેને પણ રૂ. 46 લાખની આવક થશે. બાંગ્લાદેશને ડુંગળીનું મોટુ બજાર માનવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રથી ડુંગળીનો વધારે જથ્થો મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.