ઝારખંડના દુમકાના રાનીશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના તાલડેંગારમાં રવિવારે સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ ગઈ. તેમાં એક જવાન શહીદ થઈ ગયો અને ચાર જવાન ઘાયલ થયા છે. ચારેય જવાનોને દુમકાની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત નાજુક હતી, એટલે તેને હેલિકોપ્ટરથી રાંચી હોસ્પિટલ મોકલવામાં આવ્યો.
પોલીસનો દાવો છે કે ઓછામાં ઓછા પાંચ નક્સલીઓને ગોળી વાગી છે, જેઓ જંગલ તરફ ભાગી ગયા. અથડામણમાં એસએસબી, જૈપ અને જિલ્લા પોલીસના જવાન સામેલ હતા. શહીદ જવાનની ઓળખ આસામ નિવાસી નીરજ ક્ષત્રી તરીકે થઈ છે, જ્યારે ઘાયલ જવાનોમાં રાજેશકુમાર, કરણકુમાર, સતીશ ગૂર્જર અને સોનુ કુમાર સામેલ છે. રાજેશકુમારને રાંચી મોકલવામાં આવ્યા છે.
એસપી વાયએસ રમેશે જણાવ્યું કે તેમને બે-ત્રણ દિવસથી આ સૂચના મળી રહી હતી કે આ વિસ્તારના જંગલ અને પહાડી વિસ્તારોમાં નક્સલીઓ આવ્યા છે. તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના કરી રહ્યા છે. આ જ સૂચનાના આધારે અહીંયા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે જ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.