ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે યોજાશે ચૂંટણી
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધનના એક સપ્તાહ બાદ ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું પણ નિધન થયું છે. જેથી ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી થતા આગામી દિવસોમાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું એક સપ્તાહ પહેલા જ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જેથી રાજ્યસભાની એક બેઠક ખાલી પડી હતી. ગઈકાલે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે પણ ચેન્નાઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેથી તેમની બેઠક પણ ખાલી થઈ છે. આમ ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી થઈ છે. બંને બેઠકોની ચૂંટણી ડિસેમ્બરમાં જ પૂર્ણ કરાય તેવી શક્યતા છે. બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 111 છે, જ્યારે કે કોંગ્રેસનું સંખ્યાબળ 65 છે. રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે 6 બેઠકો છે. જ્યારે કે, કોંગ્રેસ પાસે 3 બેઠકો છે અને 2 બેઠક ખાલી છે.