ECનો નિર્ણય- પશ્ચિમ બંગાળમાં ઇવીએમ પાસે ન તો કેન્દ્રીય સુરક્ષાદળો જઈ શકશે અને ન તો રાજ્ય પોલીસ
લોકસભા ચૂંટણીના શરૂઆતના ચાર તબક્કાઓમાં મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર મોટું એક્શન લેવામાં આવ્યું છે. ચૂંટણીપંચે નિર્ણય લીધો છે કે 6 મેના રોજ થનારા પાંચમા તબક્કાના મતદાન માટે જ્યાં ઇવીએમ મશીન રાખવામાં આવશે, ત્યાં ન તો બંગાળ પોલીસ જઈ શકશે અને ન તો કેન્દ્રીય દળો જઈ શકશે. બંને ત્યારે જ ઇવીએમ વાળી જગ્યાએ જઈ શકે છે, જ્યારે ત્યાં હાજર ચૂંટણી અધિકારી આ વાતની પરવાનગી આપે.
એટલે કે જે જગ્યાએ વોટિંગ થવાનું છે ત્યાં ફક્ત ચૂંટણી અધિકારી જ હાજર રહેશે. આ પહેલા સમાચાર હતા કે પોલિંગ બૂથની અંદર ફક્ત કેન્દ્રીય દળો તહેનાત કરવામાં આવશે. એટલે કે રાજ્યની પોલીસને પોલિંગ બૂથથી દૂર રાખવામાં આવશે. પરંતુ પછીથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે બંનેને વોટિંગ કરવાની જગ્યાએ જવા દેવામાં આવશે નહીં.
પાછલા તબક્કાઓમાં થયેલી હિંસા પછી ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી હતી કે કેન્દ્રીય દળોને હટાવીને રાજ્ય પોલીસને પોલિંગ બૂથ પર તહેનાત કરવામાં આવી રહી છે અને ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળના સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર વિવેક દુબેએ નિવેદન આપ્યું છે કે આ તબક્કામાં સૌ ટકા પોલિંગ બૂથને કેન્દ્રીય દળો દ્વારા જ કવર કરવામાં આવશે. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે આગામી તબક્કાઓમાં આ જ રીતે મતદાન કરાવવામાં આવશે.
6 મેના રોજ થનારા પાંચમા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળની બંગાંવ, બેરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુગલી, આરામબાગ સીટ પર વોટિંગ થવાનું છે.
ઉલ્લેખનીય છે કે ગત ચાર તબક્કાઓના મતદાન દરમિયાન બંગાળમાં ઘણી જગ્યાઓએ હિંસા થઈ છે. ચોથા તબક્કામાં જ બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોની પણ પોલિંગ બૂથની અંદર ઝપાઝપી થઈ ગઈ હતી, જે પછી તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આસનસોલમાં બીજેપી કાર્યકર્તાઓએ કેન્દ્રીય દળોની તહેનાતીની માંગ કરીને મતદાન અટકાવી દીધું હતું, જે પછી ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.