નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પત્ર લખીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુને સલાહ આપી છે કે તેઓ સમજદારીથી પાણીનો ઉપયોગ કરે. તમિલનાડુને શુક્રવારે આવી જ એક ચિઠ્ઠી મોકલવામાં આવી છે. જ્યારે બાકીના રાજ્યોને ગત સપ્તાહે જ આવો પત્ર જારી કરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં બંધોમાં પાણીના ઘટી રહેલા સ્તરને જોતા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર જળ પંચના એક સદસ્યએ આના સંદર્ભે જાણકારી આપી છે. રાજ્યોને દુકાળ સલાહ એવા સમયે આપવામાં આવે છે કે જ્યારે જળાશયોમાં પાણીનું સ્તર ગત દશ વર્ષના જળ ભંડારણના સરેરાશથી 20 ટકા ઓછું થઈ જાય છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી બંધો ફરીથી ભરાય જાય નહીં, ત્યાં સુધી રાજ્ય પાણીનો ઉપયોગ માટે પીવા માટે જ કરે.
કેન્દ્રીય જળ પંચ દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીના ભંડારણનું મોનિટરિંગ કરે છે. પંચના આંકડા પ્રમાણે હાલ પાણીનો કુલ ભંડાર 35.99 અબજ ઘનમીટર બચ્યો છે. તે આ જળાશયોની ક્ષમતાના 22 ટકા જ છએ. તમામ 91 જળાશયોની કુલ ક્ષમતા 161.993 અબજ ઘનમીટર છે. નવમી મે સુધીના આંકડાઓ પ્રમાણે આમાં 24 ટકા પાણી જ બચ્યું છે. તેવામાં ડર છે કે દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રોમાં પાણી તંગી ઉભી થવાની શક્યતા છે.
પશ્ચિમ ક્ષેત્રમાં ગુજરાત-મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યાની શક્યતા છે. અહીં કુલ 27 જળાશયો છે અને તેમાંના ગુજરાતમાં 10 અને મહારાષ્ટ્રમાં 17 છે. તેની કુલ ક્ષમતા 31.26 અબજ ઘન મીટર છે.