કાશ્મીર મુદ્દે ભારતે ક્યારેય માંગી નથી મદદ: ટ્રમ્પનો દાવો ખોટો, વ્હાઈટ હાઉસે આપ્યું સ્પષ્ટીકરણ
વોશિંગ્ટન: કાશ્મીરના મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે સોય ઝાટકીને રદિયો આપ્યો છે. વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આવી કોઈ વિનંતી કરી નથી. તો વ્હાઈટ હાઉસના સત્તાવાર નિવેદનમાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ સુદ્ધાં નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલા પર મધ્યસ્થતાની ઓફર કરી હતી.
ઈમરાન ખાનની મુલાકાત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દાને લઈને મદદ માંગી હતી. જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ મામલા પર ભારત કોઈપણ ત્રીજા પક્ષને બર્દાશ્ત કરી શકે નહીં. અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. અમે એ પ્રયત્નોનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું, જે બંને દેશો વચ્ચે તણાવને ઓછો કરે છે અને વાતચીત માટે અનુકૂળ મહોલ બનાવે છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સફળ વાટાઘાટો ત્યારે શક્ય છે, જ્યારે પાકિસ્તાન પોતાના આતંકવાદીઓ સામે સતત અને કડક પગલા ઉઠાવે. તેમણે કહ્યુ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની સમસ્યાનું અસલી મૂળિયું પાકિસ્તાનમાં ફૂલીફાલી રહેલો આતંકવાદ છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થતાના દાવાને નામંજૂર કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દા પર ક્યારેય પણ મધ્યસ્થતાની વાત કહી નથી. તેમણે કહ્યુ છે કે અમે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા પ્રેસને આપવામાં આવેલા તે નિવેદનને જોયું છે જેમાં તેમણે કહ્યુ કે જો ભારત અને પાકિસ્તાન અનુરોધ કરે છે, તો તેઓ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવા પ્રકારનો કોઈ અનુરોધ કર્યો નથી.
અન્ય ટ્વિટમાં રવીશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાન સાથે કોઈપણ વાતચીત માટે સીમાપાર આતંકવાદ પર રોક લગાવવી જરૂરી હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દાને દ્વિપક્ષીય રાહે સમાધાન માટે સિમલા સમજૂતી અને લાહોર ઘોષણાપત્રનું અનુપાલન આધાર હશે.
અમેરિકાના સાંસદ બ્રેડ શેરમને ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેપણ કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાનું સૂચન આપશે નહીં. ટ્રમ્પનું નિવેદન શરમજનક છે. તેમણે ક્હ્યુ છે કે સૌ કોઈ જાણે છે કે ભારત સતત કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો વિરોધ કરતું રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની આ પહેલી મુલાકાત હતી. વ્હાઈટ હાઉસમાં યોજાયેલી મુલાકાત દરમિયાન ઈમરાન ખાનની સાથે પાકિસ્તાની સેનાધ્યક્ષ જરલ કમર જાવેદ બાજવા, આઈએસઆઈ ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ અને વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી પણ હાજર હતા.