નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સોમવારે જમ્મુ-કાશ્મીરના સિયાચિન ગ્લેશિયર પહોંચ્યા હતા. અહીં તેમણે અધિકારીઓની સાથે મુલાકાત કરી અને બોર્ડર પર કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. સિયાચિનના પ્રવાસ બાદ રાજનાથસિંહ શ્રીનગર પણ જવાના છે. સંરક્ષણ પ્રધાનની સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ છે. મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથસિંહની પહેલી સિયાચિન મુલાકાત છે.
પોતાની મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનનું નિરીક્ષણ કરવાની સાથે જ પાકિસ્તાન સાથેની સીમાઓ પર સુરક્ષા તૈયારીઓનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રમાં ફરીથી મોદી સરકારના શપથ લીધા બાદ સંરક્ષણ પ્રધાન બનેલા રાજનાથસિંહ પહેલીવાર સત્તાવાર મુલાકાતે જમ્મુ-કાશ્મીર જઈ રહ્યા છે.
રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રાલયનો પ્રભાર સંભાળ્યા બાદ પોતાની પહેલી મુલાકાતમાં સૌથી પહેલા સિયાચિન ગ્લેશિયર પહોંચ્યા છે. આ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધક્ષેત્ર છે. અહીં તેમણે ફીલ્ડ કમાન્ડરો અને જવાનો સાથે વાતચીત કરી છે. સંરક્ષણ પ્રધાનની સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ તેમની સાથે સિયાચિનની મુલાકાતે ગયા છે.
કારોકોરમ રેન્જમાં આવેલા સિયાચિન ગ્લેશયરને દુનિયાનું સૌથી ઊંચુ સૈન્ય ક્ષેત્ર ગણવામાં આવે છે. અહીં જવાનોને અત્યાધિક ઠંડી અને ભારે પવનનો સામનો કરવો પડે છે. ઉનાળામાં ગ્લેશિયર પર ભૂસ્ખલન અને હિમસ્ખલન સામાન્ય વાત છે. અહીં તાપમાન શૂન્યથી 60 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી ચાલ્યું જાય છે.
સૂત્રોનું કહેવું છે કે સંરક્ષણ પ્રધાનને 14મી કોર અને 15મી કોરમાં પાકિસ્તાન પેદા કરવામાં આવેલી કોઈપણ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવાની ભારતની તૈયારી અને અન્ય બાબતોની વિગતવાર જાણકારી આપવામાં આવશે.
સિયાચિન ગ્લેશિયર હિમાલયના પૂર્વ કારાકોરમ પર્વતીય શ્રૃંખલામાં આવેલું છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખા સમાપ્ત થાય છે. સેનાએ આ વિસ્તારમાં એક બ્રિગેડની તેનાતી કરી છે. અહીં કેટલીક ચોકીઓ 6400 મીટરની ઊંચાઈએ આવેલી છે. સિયાચિન ગ્લેશિયર પર 13 એપ્રિલ- 198ના રોજ સેનાએ નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. પાકિસ્તાનની સેનાને હટાવીને ગ્લેશિયર પર કબજા માટે ઓપરેશન મેઘદૂતને લોન્ચ કરવામાં આવ્યું હતું.