ઓડિશામાં વાવાઝોડાં ફનીના લીધે ઉખડ્યાં હજારો વૃક્ષો અને થાંભલા, કોલકાતામાં મમતાએ 48 કલાક સુધી કરી તમામ રેલીઓ રદ
1999માં આવેલા સુપર સાયક્લોન પછી સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહેલું ફની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગે ઓડિશામાં પુરીના કિનારે પહોંચ્યું. તેના કારણે ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું. હજારો ઝાડ અને વીજળીના થાંભલા ઉથલી પડ્યા. નીચાણવાળી વસ્તીઓમાં પાણી ભરાયા છે. જે સમયે તોફાન પુરીકિનારે અથડાયું ત્યારે 175 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. કેટલીક જગ્યાઓએ 200 કિમી પ્રતિ કલાકની ગતિ સુધી પહોંચી ગયો. ઓડિશાથી ફની પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 48 કલાક સુધી પોતાની તમામ રેલીઓ રદ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તે બંગાળથી થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. એવામાં પશ્ચિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે. ઓડિશામાં સાવચેતીના પગલાંરૂપે 15 જિલ્લાઓના 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. 20 વર્ષોમાં ઓડિશામાં આવેલું આ સૌથી ખતરનાક વાવાઝોડું છે.
વાવાઝોડાને કારણે કોઈને મદદ જોઈએ તો તે માટે ઇમરજન્સી નંબર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઓડિશા- 06742534177, ગૃહ મંત્રાલય- 1938 અને સિક્યોરિટી- 182 નંબર છે.
નૌસેનાના વહાણો થયા તહેનાત
તટરક્ષક દળોએ કહ્યું છે કે વાવાઝોડાં ફનીને ધ્યાનમાં રાખીને 34 રાહતદળો અને ચાર તટરક્ષક વહાણોને રાહતકાર્ય માટે તહેનાત કરવામાં આવ્યા છે. નૌસેનાના પ્રવક્તા કેપ્ટન ડીકે શર્માએ દિલ્હીમાં કહ્યું કે નૌસેનાના વહાણ ‘સહ્યાદ્રી’, ‘રણવીર’ અને ‘કદમત’ને રાહત સામગ્રી અને ચિકિત્સા દળો સાથે તહેનાત કરવામાં આવ્યા છે. આ વહાણો તટવર્તી વિસ્તારોમાંથી વાવાઝોડું પસાર થઈ ગયા પછી તરત જ રાહતકાર્ય શરૂ કરી દેશે.
રાહત શિબિરોમાં 5000 રસોડાં ઊભાં કરાયા
એનડીઆરએફના 28, ઓડિશા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ એક્શન ફોર્સના 20 યુનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના 525 લોકો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. રાહત શિબિરોમાં ભોજનની વ્યવસ્થા કરવા માટે 5000 કિચન બનાવવામાં આવ્યા છે.
તટવર્તી જિલ્લાઓમાં રેલવે, રસ્તા અને હવાઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ગુરૂવાર મધ્યરાત્રિથી બીજૂ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ 24 કલાક માટે રોકી દેવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પણ શુક્રવાર રાતથી શનિવાર સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
બંગાળ તરફ આગળ વધશે વાવાઝોડું
વાવાઝોડું બપોર સુધીમાં પુરી પહોંચશે. ત્યારબાદ, પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે. તેની અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં પણ જોવા મળશે. વાવાઝોડાંથી ઓડિશાના 14 જિલ્લાઓ પ્રભાવિત થશે. તેમાં પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, ભદ્રક, ગંજમ, ખુર્દા, જાજપુર, નયાગઢ, કટક, ગાજાપટી, મયૂરભંજ, ઢેંકાનાલ અને કિયોંઝોર સામેલ છે. આ જિલ્લાઓના આશરે 10 હજાર ગામ વાવાઝોડાથી પ્રભાવિત થશે.
આ તોફાન પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે, ત્યારે અહીંયા દિઘા, મદારમણિ, શંકરપુર, તાજપુર અને અન્ય પર્યટન સ્થળો પરથી સહેલાણીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.