પણજી: ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોએ સત્તારુઢ ભાજપમાં વિલયનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો હતા. જેમાના 10 કોંગ્રેસી ધારાસભ્યોએ બુધવારે ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પાટનેકર સાથે મુલાકાત કરીને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી છે.
બળવાખોર વલણ અપનાવારા ધારાસભ્યોમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર પણ સામેલ છે. આજે તમામ બળવાખોર ધારાસભ્યો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સાથે મુલાકાત કરશે. તેઓ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે પણ મુલાકાત કરશે.
ભાજપમાં વિલયને લઈને ગોવા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત કાવલેકરે કહ્યુ છે કે બે તૃતિયાંશ બહુમતી થયા બાદ અમે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા માટે આવ્યા છીએ. 2017ની ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ કોંગ્રેસ સરકાર બનાવી શકી નહી. ગોવામાં કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પાર્ટીના લોકોને જોડે રાખી શક્યા નથી. જેનાથી તેમના ધારાસભ્યો પણ ઘણાં નારાજ થયા છે.
ચંદ્રકાંત કાવલેકરે કહ્યુ છે કે વિપક્ષના નેતા હોવાના કારણે મને પણ આ વાતથી ઘણી પરેશાન હતી. અમે તમામ પોતાની મરજીથી ભાજપમાં સામેલ થયા છીએ, કારણ કે અમને પણ ખબર હતી કે વિપક્ષમાં રહીને અમે પોતાના મતવિસ્તારનો વિકાસ કરી શકીશું નહીં.
આ સમગ્ર મામલા પર ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યુ છે કે વિપક્ષના તા સાથે 10 કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપમાં વિલય કર્યો છે. હવે ગોવા વિધાનસભામાં ભાજપના 27 ધારાસભ્યો છે. તેઓ રાજ્ય અને પોતાના મતવિસ્તારના વિકાસ માટે અમારી સાથે આવ્યા છે. તેમણે કોઈ શરત મૂકી નથી, તેઓ બિનશરતી રીતે ભાજપમાં સામેલ થયા છે.
ગોવાની 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપના 17, કોંગ્રેસના 15, જીપીએફના 3, એણજીપીના એક, એનસીપીના 2 અને 2 અપક્ષ ધારાસભ્યો છે. કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા બાદ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 27ની થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોના વિલય બાદ વિધાનસભામાં તેના ધારાસભ્યોની સંખ્યા 5ની રહી ચુકી છે.